Surat Kidnapping Case: શહેરમાં શેર બજારનું કામ કરતાં વેપારીના પુત્રનું અપહરણ કરીને રૂ. 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે અડાજણ પોલીસે મહારાષ્ટ્રથી 3 આરોપીઓને ઝડપી પાડીને અપહ્યત યુવકને મુક્ત કરાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ મધુવન સર્કલ ટ્રીનીટી બિઝનેસ પાર્ક પાસેથી ગત 6 ઓક્ટોબર 2026ના રોજ આગમ પટવા (27)નું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેના પિતા પાસેથી રૂ. 30 લાખની ખંડણી માંગી હતી. બીજી તરફ ઘટનાની ગંભીરતાને પોલીસે તવરીત પગલા લીધા હતા અને અપહરણ થયેલા યુવકને છોડાવવા માટે અડાજણ પોલીસે તાત્કાલિક અલગ અલગ 4 ટીમો બનાવી હતી અને તપાસનો દોર શરુ કર્યો હતો.
પોલીસે આશરે 150થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક કાળા કલરની ગાડી આઇડેન્ટિટીફાય થઇ હતી. જેમાં 3 વ્યક્તિઓ યુવકને લઇ ગયા હોવાની માહિતી મળી હતી.
પોલીસ તપાસમાં આ ગાડી મહારાષ્ટ્રના પુણા અહલ્યાનગર હાઈવે પર ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસની એક ટીમ ત્યાં જવાના રવાના થઇ હતી અને સુપાગામ પાસેથી રવિરાજ પાંડુરંગ પાટીલ (38) અમોલ અવિનાશ ખરમાળે (32) અને મયુર રાજેન્દ્ર શિંદે (35)ને ઝડપી પાડ્યા હતા અને અપહરણ થયેલા યુવકને મુક્ત કરાવ્યો હતો.
DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અપહરણ થયાના 12 થી 15 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી પાડી અપહરણ થનાર યુવકને મુક્ત કરાવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી રવિરાજ પાટીલએ તેણે ભોગ બનનાર યુવકના પિતાને જેઓ શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેને આશરે 1 વર્ષ પહેલા શેર બજારમાં રોકાણ કરવા માટે 15 લાખ જેટલી રકમ આપી હતી અને તે રકમ નુકશાનીમાં ગઈ હતી.
આથી આરોપીઓએ તે 15 લાખ ઉપરાંત બીજા 15 લાખ એમ મળી કુલ 30 લાખની માંગણી ફરીયાદી પાસે કરી હતી. ફરીયાદી દ્વારા જો રકમ નહી આપવામાં આવે તો તેના પુત્રનું અપહરણ કરીને તેની સાથે કોઈ પણ પ્રકારના અઘટિત કૃત્ય કરવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓનો હાલ કોઈ ગુનાહિત ઈતિહાસ જણાઈ આવ્યો નથી. આમ છતાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
