Rajkot: જંગલેશ્વરમાં હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, પોલીસે પાંચેય આરોપીઓને દોરડાથી બાંધી સ્થળ પર સરઘસ કાઢ્યું

રાજકોટના જંગલેશ્વરમાં સામે જોવા જેવી બાબતે ઈકબાલ લોધીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આજે તમામ આરોપીઓને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતુ. આ સાથે જ PI દ્વારા નાગરિકોને લુખ્ખાઓ દાદાગીરી કરે, તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Oct 2026 09:28 PM (IST)Updated: Thu, 08 Oct 2026 09:28 PM (IST)
rajkot-jungleshwar-murder-case-police-recreate-crime-scene-parade-accused-in-public

Rajkot: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા નિપજાવવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જયારે હજુ એક આરીપી ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. હત્યામાં સંડોવાયેલ પાંચેય આરોપીને દોરડા બાંધી સરઘસ કાઢી તમામને ઘટના સ્થળ પર લઇ જઈ રી-કન્સ્ટ્રક્સન કરાવવામાં આવ્યું હતું.

ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી લોધીની લોખંડના પાઇપ વડે માર મારી હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યા થયા પૂર્વે મૃતક ઇકબાલભાઇએ તેમના સૌથી મોટા પુત્ર સોહિલને ફોન કરીને જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતા દાનીશ અમીનભાઇ સાથે મારે ઝઘડો થયો છે, તો તું તપાસ કર કે દાનીશે મારી સામે કોઈ પોલીસ કેસ કર્યો છે કે નહીં?" જે બાદ મોડી રાત્રે ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા કરી નાખવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચે આરોપી શાહનવાઝ મુસ્તાક વેતરણ (ઉ.વ.22, રહે. નિલમ પાર્ક, દેવપરા) અને અબઝલ દિલાવર મકરાણી (ઉ.વ.22, રહે. જંગલેશ્વર શેરી નં.21)ને ગોવાથી ઝડપી લીધા હતા. આરોપી શાહનવાઝ વિરૂદ્ધ રાયોટિંગ, હુમલા સહિતના પાંચ ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાંચે 2025માં ગુજસીટોક હેઠળ તેની અટકાયત કરી હતી. જેમાં ગઈ તા.29ના રોજ તે પાલનપુર જેલમાંથી જામીનમુક્ત થયો હતો. જેના ચાર દિવસ બાદ હવે તેની હત્યામાં સંડોવણી ખુલી છે.

ભક્તિનગર પોલીસે આરોપી અબુસુફિયાન હનિફ મુકાસમા (ઉ.વ.24, રહે. રામનાથપરા) અને મહંમદદાનીશ મહંમદસીદ્દીકી સિપાઈ (ઉ.વ.21, રહે. જંગલેશ્વર, હાલ 80 ફૂટના રોડ)ની અટકાયત કરી હતી. આ અગાઉ ભક્તિનગર પોલીસે રોશનબેન ઉર્ફે ગુડ્ડી ધાડા નામની મહિલાની અટકાયત કરી હતી.

પોલીસ પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પ્રથમ મોરબી નાસી છૂટ્યા હતા અને ત્યાંથી આણંદ પહોંચી બાદમાં તમામ આરોપીઓ છૂટા પડી ગયા હતા.

પોલીસ તપાસમાં આરોપી શાહનવાઝ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ, ગુજસીટોક, રાયોટીંગ અને જીવલેણ હુમલો સહીત 6 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આરોપી શાહનવાઝ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાથી તેના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તાજેતરમાં પાલનપુર જરલમાંથી ગત 29 સપ્ટેમ્બરના રોજ જામીન પર છૂટ્યા બાદ 3 ઓક્ટોબરના રોજ રાત્રે ફરી હત્યાના ગુનામાં સામેલ થતા પોલી દ્વારા આરોપી શાહનવાઝના ગુજસીટોકના ગુનામાં જામીન રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હત્યામાં સંડોવાયેલ તમામ આરોપીને ભક્તિનગર પોલીસ તેમજ એસીબી ઝોન -1 ના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમ દ્વારા દોરડા બાંધી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઇ જઇ રિ-કસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપી દાનીશ દ્વારા મૃતક ઇકબાલને કેવી રીતે માર મારી હત્યા નિપજાવવામાં આવી તેનું રિકંસ્ટ્રક્શન પંચનામું પણ કરવાં આવ્યું હતું.

આ સમયે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ જયદીપસિંહ પરમાર દ્વારા વિસ્તારના નાગરિકોને અપીલ કરી હતી કે, વિસ્તારમાં કોઈ પણ લુખ્ખાગીરી કે દાદાગીરી કરે તો પોલીસને જાણ કરો, જંગલેશ્વરમાં કોઈની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહી, ઉપસ્થિત લોકોને ટકોર કરવામાં આવી હતી કે, કોઈ પણ ગુનો કરશે તેની આ જ હાલત થશે કોઈને છોડવામાં આવશે નહિ અહીંયા કોઈ ડોન નથી ગુનો કરશે એની ખેર નથી.