Rajkot: ઈમિટેશનના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી જસદણના વેપારી સાથે રૂ. 3 લાખની ઠગાઈ, રાજકોટના પિતા-પુત્રોની ત્રિપુટી સામે ગુનો દાખલ

રાજકોટના પિતા-પુત્રોની ત્રિપુટીએ જસદણના વેપારી ભાવિક હીરપરાને ઇમિટેશનના ધંધામાં ઊંચા નફાની લાલચ આપી રૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ વિશ્વાસ કેળવી રોકાણ કરાવ્યા બાદ પૈસા પરત માંગતા ધમકીઓ આપી હતી, જેના પગલે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Oct 2026 07:32 PM (IST)Updated: Thu, 08 Oct 2026 07:32 PM (IST)
rajkot-news-jasdan-businessman-duped-of-rs-305-crore-in-fake-imitation-business-scheme

Rajkot News: ઇમિટેશન ધંધામાં માસિક 10 થી 15 ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપી જસદણના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં રાજકોટના સેટેલાઇટ ચોક વિસ્તારમાં રહેતા પિતા અને તેમના બે પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જસદણ ખાતે ન્યૂ બસ સ્ટેન્ડ સામેની સોસાયટીમાં રહેતા અને મોબાઇલ સ્પેરપાર્ટ્સનો ધંધો કરતા ભાવિક હીરપરા (33) નામના વેપારીએ રાજકોટના સેટેલાઈટ ચોકમાં રહેતા અશોક મોહન મોલિયા, નિકુંજ અશોક મોલિયા,પ્રતીક અશોક મોલિયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આશરે પાંચ વર્ષ પૂર્વે ફરિયાદી ભાવિકભાઈ તેમના બહેનના ઘરે કૌટુંબિક પ્રસંગમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત અશોક મોહન મોલિયા સાથે થઈ હતી. અશોક મોલિયાએ પોતાના બે પુત્રો નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયા ઇમીટેશનનો મોટો વેપાર કરતા હોવાનું જણાવી તેમાં રોકાણ કરવાથી 10 થી 15 ટકા પ્રોફિટ મળવાની ખાતરી આપી હતી.

કોરોના કાળ દરમિયાન ફરિયાદી બીમાર પડતાં આરોપીઓએ હોસ્પિટલ ખાતે દવાની વ્યવસ્થા કરી આપીને ફરિયાદીનો ગાઢ વિશ્વાસ સંપાદિત કર્યો હતો. આ સંબંધોનો ગેરલાભ ઉઠાવી આરોપીઓએ ફરિયાદીને ઈમીટેશનના ધંધામાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. ભાવિકે શરૂઆતમાં રૂ. 21 લાખ રોકડા આપ્યા હતા. જે બાદ વધુ રોકાણની માંગણી કરાતાં આંગડિયા મારફતે રૂ. 86.04 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે પ્રથમ તબક્કે રૂ. 1.07 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

જે બાદ આરોપીઓએ ઈમીટેશન મેટલનો કાચો માલ સસ્તો મળી રહ્યો હોવાનું બહાનું બતાવી વધુ એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદી ભાવિકભાઈએ જસદણ સ્થિત પોતાના મકાન પર બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ.1 કરોડની હોમ લોન મેળવીને તે રકમ આરોપીઓને ફેક્ટરી ખાતે રૂબરૂ આપી હતી.

જે બાદ ભાવિકે પોતાના પિતા, કુટુંબી કાકાઓ પ્રેમજીભાઇ હીરપરા, જીવણભાઇ હીરપરા, છગનભાઈ હીરપરા તથા અન્ય સગા-સંબંધીઓ પાસેથી નાણાં એકત્રિત કરી રૂ.97.96 લાખ અશોક મોહન મોલિયા,નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયાને કટકે-કટકે આપ્યા હતા. આમ ફરિયાદી પાસેથી કુલ રૂ.3,05,00,000 મેળવી લેવામાં આવ્યા હતા.

રોકાણ કર્યા બાદ ફરિયાદીએ જ્યારે નફાની રકમ અને મૂડી પરત માગી, ત્યારે આરોપીઓએ ત્રણ મહિનામાં મકાનની લોન ભરાઈ જશે તેવા ખોટા વાયદાઓ કર્યા હતા. ફેબ્રુઆરી 2025માં જ્યારે ફરિયાદીએ નાણાં માટે કડક ઉઘરાણી કરી ત્યારે મુખ્ય આરોપી નિકુંજ મોલિયા ઘરેથી ભાગી ગયો હોવાનું નાટક રચવામાં આવ્યું હતું. જે બાદ કોઠારીયા રોડ પર આવેલી હોટેલ ખાતે યોજાયેલી એક બેઠકમાં નાણાં પરત આપવાને બદલે આરોપી નિકુંજ મોલિયાએ ફરિયાદીને ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો હું દવા પી લઈશ અને તમને મારી નાખીશ." આ પ્રકારની માનસિક અને શારીરિક ધમકીઓને કારણે ફરિયાદી ભયભીત થઈ ગયા હતા.

પ્રારંભમાં ફરિયાદીએ આજીડેમ પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ આરોપીઓ છટકબારી શોધતા હોવાથી આખરે ફરિયાદીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ મામલાની ગંભીરતા જોઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા.

જસદણ પોલીસે અશોક મોહન મોલિયા નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયા સામે ગુણો નોંધ્યો હતો. પી.આઈ જે. પી. ગોસાઈ અને તેમની ટીમે આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને નાણાકીય લેવડદેવડના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.