Morbi: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી જવાના મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા સગરામભાઈ સરવૈયાને માથાના ભાગે લાકડી અને ધોકાનો જીવલેણ ઘા વાગતાં તેમનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે દેવાભાઈ ઉકાભાઈ મકવાણા સહિત 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ખાનપર ગામમાં રહેતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ભત્રીજી હેતલ ઘરેથી ગુમ થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભત્રીજીને ગામનો જ એક યુવક કિશન મકવાણા ભગાડી ગયો હોવાની આશંકા જાગી હતી.
આ શંકાના આધારે પરિવારજનો યુવકના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો અને સામે પક્ષે એકસંપ થઈને ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ પિતા સગરામભાઈ સામતભાઈ સરવૈયાનું સારવાર દરમિયાન કમકમટીભર્યું મોત નીપજ્યું છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવની વિગતવાર વિગતો આપતાં ફરિયાદી હેમુભાઈ સરવૈયાએ જણાવ્યું કે, તેઓ ખાનપર ગામમાં આઈ શ્રી ખોડીયાર નામે પાન-માવાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ 7 ઓક્ટોબરના રોજ સવારના આશરે 6 વાગ્યાના સુમારે તેમના મોટા ભાઈ સુરેશભાઈની પુત્રી હેતલ (20) ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી.
આ અગાઉ ચાર મહિના પહેલા પણ હેતલ ગામના કિશન દેવાભાઈ મકવાણા સાથે જતી રહી હતી. જેથી ફરી એકવાર કિશન જ હેતલને ભગાડી ગયો હોવાની દ્રઢ શંકા જતાં પરિવારે દિવસ દરમિયાન તપાસ કરી હતી. જે બાદ રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે હેમુભાઈ, તેમના પિતા સગરામભાઈ સરવૈયા, ભાઈ સુરેશભાઈ તથા અન્ય સગા-સંબંધીઓ એકઠા થઈને કિશનના ઘરે હેતલ વિશે પૂછપરછ કરવા માટે ગયા હતા.
કિશનના ઘરે પહોંચતાં જ ત્યાં હાજર રહેલા કિશનના પિતા દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ, વિપુલભાઈ દેવાભાઈ, રાજુભાઈ છનાભાઈ, મનસુખભાઈ છનાભાઈ, ભરતભાઈ મનસુખભાઈ, વિરમભાઈ મનસુખભાઈ અને જેમાભાઈ સોમાભાઈ મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા. આ તમામ લોકોએ પૂછપરછ ગમી ન હોવાથી અચાનક ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો અને ઘરમાંથી તથા આજુબાજુમાંથી લાકડીઓ અને ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદે મંડળી રચી હુમલો કરી દીધો હતો.
આ હિંસક હુમલા દરમિયાન દેવાભાઈ મકવાણાએ સગરામભાઈ સરવૈયાના માથાના પાછળના ભાગે ધોકાનો જોરદાર ઘા ઝીંકી દેતાં તેઓ રક્તરંજિત હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આ ઉપરાંત રાજુભાઈ મકવાણાએ ફરિયાદી હેમુભાઈના માથામાં લાકડી મારી લોહીલુહાણ કર્યા હતા, જ્યારે દેવાભાઈએ પોતાના હાથમાં પહેરેલા કડા વડે વચ્ચે પડેલા રઘાભાઈના માથામાં ઘા મારી તેમને પણ ઇજા પહોંચાડી હતી.
આ સમયે ઘટના સ્થળે બૂમાબૂમ થતાં ગ્રામજન અરજણભાઈ બેચરભાઈ સરવૈયાએ વચ્ચે પડીને તમામ લોકોને છોડાવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે સગરામભાઈ બોલી કે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને તાત્કાલિક કાર મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સગરામભાઈની તબિયત અત્યંત નાજુક જણાતાં તબીબોએ તેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. જોકે, રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતાં જ ફરજ પરના તબીબોએ સગરામભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ કરુણ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હેમુભાઈ સરવૈયાની ફરિયાદના આધારે આઠેય આરોપીઓ સામે 103(1), 115(2), 189(2), 190, 191(2), 191(3), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ અને પીએસઆઇ ડી.વી.ખાંભલા દ્વારા આ ગંભીર હત્યા કેસની આગળની સઘન તપાસ સંભાળવામાં આવી છે.
