Lathi Navratri Drama Festival: ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે 'કવિ કલાપી'નાં ધામ એવા લાઠી ગામમાં આશરે દોઢસો વર્ષ કરતા પણ વધુ સમયથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન એક એવું સંવેદનશીલ કાર્ય થાય છે, જેનું ફળ સમગ્ર વર્ષ દરમિયાન અબોલ જીવ એવા ભોળા પંખીડાઓને મળતું રહે છે.
જેમાં પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્તુતિના માધ્યમથી કરવામાં આવતી રહી છે તે ખરેખર નવાઈ જન્માવે તેવી અને સમાજ માટે ખુબ જ પ્રેરક લાગે છે.
આ વાત છે અમરેલી જિલ્લાના કલાપીનગર એટલે કે લાઠી ગામની. જ્યાં લુવારીયા દરવાજા પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજીનાં મંદિર પાસે નવરાત્રિ દરમ્યાન દમિયાન મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે.
છેલ્લા 160 વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવનો સિલસિલો આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે તા. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, 2026 દરમ્યાન રોજ રાત્રે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે.
આજથી લગભગ 160 વર્ષ પૂર્વે લાઠી ગામનાં મહાન સંત વસંતદાસજી બાપુએ સ્થાપેલા મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યે પ્રેમ અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે.
રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)નાં અભૂતપૂર્વ કાવ્યોએ પણ લાઠી ગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી છે તે આજે પણ બરકરાર છે. આ નાટ્ય ઉત્સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથી લાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે, ને આવી જાહેરાત કરનાર દાતાઓ-શ્રદ્ધાળુઓ પાસેથી નાટક મંડળના સભ્યો મકર સંક્રાંતિનાં પાવન પર્વના દિવસે અનાજ એકત્ર કરે છે.
આ એક જ દિવસમાં, પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ પંખીડાઓને ચણ નાખતા રહે છે.
