Viral Video: સોશિયલ મીડિયામાં દરરોજ અઢળક વીડિયો પોસ્ટ થતાં રહે છે, જે પૈકી ઘણાં તેના અલગ કન્ટેન્ટના કારણે ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં નોર્વેના એક શહેરના મેયર ગુજરાતની સડકો પર ઑટો રિક્ષા ચલાવતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં આ મહાનુભવ રિક્ષામાં ભારત ભ્રમણ પર નીકળ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ (@chintan__matiya) દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં યુઝરની સાથે એક વિદેશી વ્યક્તિ દેખાઈ રહી છે. યુઝર કહી રહ્યો છે કે, મારી પાસે રહેલ વ્યક્તિ નોર્વેના નાગરિક છે. તેઓ નોર્વેના પ્રોસેન્જર શહેરના મેયર છે. જેમનું નામ જો ઈંગ હેસ્જેવિક છે. જે બાદ વીડિયોમાં મેયરની ઓળખની પુષ્ટિ કરવા માટે યુઝર તેમની ગૂગલ પ્રોફાઈલ પણ દર્શાવે છે.
વીડિયોમાં યૂઝર્સ મેયરને ઉદ્દેશીને કહી રહ્યો છે કે, આ વ્યક્તિ કેટલી ડાઉન ટૂ અર્થ છે. આજે તેઓ અમને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની ઑનેસ્ટમાં મળી ગયા છે. જે બાદ તે એક ઓટો રિક્ષા દર્શાવે છે, જેને ભડક પીળા રંગથી રંગવામાં આવી છે. મેયર અને તેમની સાથે એક વ્યક્તિ ટુક-ટુક ઓટો લઈને ભારત ભ્રમણ પર નીકળ્યા છે. જે અંતર્ગત તેઓ ગુજરાત આવ્યા છે.
નોર્વેથી 61 લોકો ભારત ભ્રમણ પર આવ્યા
આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું છે કે, નોર્વેથી 61 લોકો ભારત ભ્રમણ પર નીકળ્યા છે અને તેઓ 37 ટુકટુક રિક્ષા લઈને ફરી રહ્યા છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, નોર્વેના કોઈ શહેરનો મેયર કેટલી સાદગી સાથે ભારત આવીને સામાન્ય નાગરિકની જેમ ફરી રહ્યો છે. આ વીડિયો પર મેયરની સાથે રિક્ષામાં ફરનાર તેમના સાથી ઓવિંડ હેસ્જોવિકે પણ કોમેન્ટ કરી છે.
