સુરતના નિયોલ રેલવે બ્રિજ પર બાઈક અકસ્માત, 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત; બાઈકસવાર મિત્ર ઈજાગ્રસ્ત

માહિતી અનુસાર, બાઈક સવાર ચાલુ બાઈક પર રીલ બનાવી રહ્યા હતા, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 11:52 PM (IST)Updated: Sun, 29 Nov 2026 11:52 PM (IST)
surat-niol-railway-bridge-bike-accident-16-year-old-student-dies
AI Generated Image

Surat Accident News: સુરત શહેરના કડોદરા રોડ પર નિયોલ રેલવે બ્રિજ પાસે એક સ્પોર્ટ્સ બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ગોડાદરામાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. માહિતી અનુસાર, બાઈક સવાર ચાલુ બાઈક પર રીલ બનાવી રહ્યા હતા અને બાઈક 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી.

નિયોલ રેલવે બ્રિજ પર થયું બાઈક સ્લીપ

આ બનાવની મળતી વિગત અનુસાર, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ગોડાદરામાં રૂક્ષ્મણી મંદિર પાસે આવેલા આસપાસ નગરમાં રહેતા રૂપેશભાઈ જાદવનો 16 વર્ષીય પુત્ર હર્ષ રવિવારે બપોરે તેના ડિંડોલીના 30 વર્ષીય મિત્ર રાજા અશોક પંડિત સાથે સ્પોર્ટ્સ બાઈક પર ફરવા નીકળ્યો હતો.

બંને મિત્રો કડોદરા રોડ પર આવેલા નિયોલ રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલુ બાઈકે મોબાઈલમાં રિલ્સ બનાવી રહ્યા હતા. રિલ્સ બનાવવાની આ પ્રવૃત્તિ દરમિયાન બાઈક સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

16 વર્ષીય કિશોરનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત

અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ હર્ષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રાજા પંડિતને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

બાઈકની સ્પીડ 100થી વધુ હોવાની ચર્ચા

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, અકસ્માત સમયે સ્પોર્ટ્સ બાઈક 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી. રિલ્સ બનાવવાના ચક્કરમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. તેના કારણે બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ધોરણ-11માં અભ્યાસ કરતો હતો મૃતક

મૃતક હર્ષ લિંબાયતના નીલગીરી સર્કલ પાસે આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં ધોરણ-11 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કાપડ માર્કેટમાં મેનેજર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હર્ષ તેની એકની એક બહેનનો લાડકવાયો ભાઈ હતો.

આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી જાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, પોલીસ ટીમે અકસ્માત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.