ભાવનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ નવાગામ નજીક કારની ટક્કરથી મોપેડ પર સવાર બે યુવકોના મોત

ભાવનગર-રાજકોટ હાઈવે પર નવાગામ નજીક કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં મોપેડ સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Nov 2026 06:02 PM (IST)Updated: Fri, 27 Nov 2026 06:02 PM (IST)
bhavnagar-news-2-killed-in-car-hits-moped-near-navagam-on-rajkot-highway

Bhavnagar: ભાવનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાઈવે પર આવેલા નવા ગામ નજીક પુરપાટ જતી કારની ટક્કરે મોપેડ સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા નવાગામ પાસેથી પસાર થઈ રહેલા મોપેડ અને કાર વચ્ચે ટક્કર થતાં અફરાતફરી મચી જવા પામી હતી. કારની ટક્કરથી મોપેડ પર સવારે બે યુવકો ફૂટબોલની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મોપેડ સવાર બે યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર બાદ કાર ગુલાંટ ખાઈ ગઈ હતી. જ્યારે મોપેડનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. કાર અને મોપેડની ધડાકાભેર ટક્કરનો અવાજ સાંભળીને હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો તેમજ સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતને પગલે રાજકોટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સિહોર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ બન્ને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તેમજ મૃતકોની ઓળખ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.