ભાવનગર: 3 મહિના બાદ મળી 3.50 તોલાની સોનાની બંગડી, ટેમ્પલ બેલ ડ્રાઈવરે બતાવી અનોખી ઈમાનદારી

ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં કચરો એકત્ર કરતા ટેમ્પલ બેલ ડ્રાઈવર જગદીશભાઈ રાધાણીએ આર્થિક તંગી છતાં 3.50 તોલાની સોનાની બંગડી મૂળ માલિકને પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 27 Nov 2026 08:47 AM (IST)Updated: Fri, 27 Nov 2026 08:47 AM (IST)
bhavnagar-temple-bell-driver-returns-3-50-tola-gold-bangle-found-in-scrap-honesty

Bhavnagar News: સામાન્ય પગાર અને કચરામાંથી મળતા સામાન્ય પગારમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા એક ટેમ્પલ બેલ વાહનના ડ્રાઈવરે આર્થિક તંગી હોવા છતાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ભાવનગર શહેરના ઉત્તમ સરદારનગર વોર્ડમાં કચરો એકત્રિત કરતા ડ્રાઈવર જગદીશભાઈ રાધાણીએ ભંગારમાંથી મળેલી 3.50 તોલાની સોનાની બંગડી તેના મૂળ માલિકને પાછી આપીને સૌના દિલ જીતી લીધા છે.

તાંબા-પિત્તળ સમજી ભંગારમાં મૂકી

મળતી વિગત અનુસાર, એક મહિલા સવિતાબેને ભૂલથી પોતાની 3.50 તોલાની સોનાની બંગડી ભંગારમાં આપી દીધી હતી. તેમના ડ્રાઈવરે જગદીશભાઈએ આ બંગડીને સામાન્ય તાંબા-પિતળની સમજીને પોતાના ઘરના ભંગારમાં મૂકી દીધી હતી. ત્રણ મહિના વીતી ગયા છતા્ સવિતાબેનને ઘરમાં બંગડી ન મળતા તેઓએ જગદીશભાઈનો સંપર્ક કર્યો હતો અને ભૂલથી બંગડી ભંગારમાં અપાઈ ગઈ હોવાની વાત કરી હતી.

સોનાની હોવાની જાણ છતાં ઈમાનદારી અકબંધ

સવિતાબેનની વાત સાંભળીને જગદીશભાઈએ પોતાના ઘરે તપાસ કરી હતી, જ્યાં ઘરના ખૂણામાંથી બંગડી મળી આવી હતી. બંગડી સોનાની હોવાનું જાણવા છતાં, આર્થિક સંકડામણમાં જીવતા જગદીશભાઈના મનમાં લેશમાત્ર લોભ જાગ્યો નહોતો. તેમણે બીજા જ દિવસે સવિતાબેનને 3.50 તોલાની સોનાની બંગડી પરત સોંપી દીધી હતી.

પોતાની અમૂલ્ય બંગડી હેમખેમ પાછી મળતા સવિતાબેન ભાવુક અને ગદગદિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરના 13 વોર્ડમાં 168 જેટલા 'ટેમ્પલ બેલ' વાહનો કાર્યરત છે, જેના કર્મચારીઓ મર્યાદિત આવકમાં કામ કરે છે. આવા સંજોગોમાં જગદીશભાઈ રાધાણીએ દાખવેલી નિષ્ઠાને બિરદાવવા માટે સ્થાનિક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.