Vadodara: નેશનલ હાઈવે પર બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારી, દિવાળી ઉજવવા વતન જઈ રહેલા યુવકનું કમકમાટીભર્યું મોત

દિવાળીનો તહેવાર આવતો હોવાથી બનેવી ગામના અન્ય લોકો સાથે ઈકોમાં હતા, જ્યારે સાળો મિત્ર સાથે બાઈક પર ઘોંઘબા સ્થિત વતન જઈ રહ્યો હતો, ત્યારે દરજીપુરા એરફોર્સ બ્રિજ નજીક કાળનો ભેટો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 19 Oct 2025 07:02 PM (IST)Updated: Sun 19 Oct 2025 07:02 PM (IST)
vadodara-news-hit-and-run-on-national-highway-bike-rider-killed-623876
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર ટ્રક ચાલક ઝડપાયો
  • હરણીપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Vadodara: વડોદરા નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર સુરતથી ઘોઘંબા જઈ રહેલા 19 વર્ષીય યુવકનું ટ્રકની ટક્કરથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હરણી પોલીસે અકસ્માત બાદ ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાતલીયા ગામના રહેવાસી તખતભાઈ શંકરભાઈ બારીયાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તખતસિંહે જણાવ્યું કે, તેમના સાળા પંકજભાઈ છત્રસિંહ બારીયા (ઉંમર 19, રહે. પાદેડી, તા. ઘોઘંબા)નું દરજીપુરા એરફોર્સ બ્રિજ નજીક થયેલા અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત 18 ઓક્ટોબર, શનિવારે મોડી રાત્રે બન્યો હતો.

તખતભાઈ અને તેમના સાળા પંકજભાઈ સુરતમાં સેન્ટિંગનું કામ કરતા હતા. દિવાળીના તહેવારને કારણે બંને સહિત ગામના અન્ય લોકો પોતાના વતન પરત જઈ રહ્યા હતા. તખતભાઈ અને અન્ય લોકો ઇકો વાનમાં હતા, જ્યારે પંકજભાઈ અને તેમના મિત્ર અશ્વિનભાઈ રમેશભાઈ બારીયા ટીવીએસ અપાચે મોટરસાયકલ (નંબર GJ-17-CH-8918) પર સવાર હતા. ટ્રાફિકને કારણે તેમની બાઈક આગળ નીકળી ગઈ હતી, તે દરમિયાન દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક ટ્રેલર (નંબર HR-46-E-1619)એ પૂરપાટ ઝડપે અને બેદરકારીથી બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તખતભાઈને અશ્વિનભાઈના મોબાઈલ પરથી અજાણ્યા વ્યક્તિએ અકસ્માતની જાણ કરી. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ પંકજભાઈને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા, જ્યારે અશ્વિનભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી.

પંકજભાઈના તાજેતરમાં જ લગ્ન થયા હતા, જેનાથી પરિવારમાં અચાનક આ દુર્ઘટનાએ શોકનો માહોલ છવાઈ ગયો છે. હરણી પોલીસે કેસ નોંધાવી ટ્રક ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.