Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રેલ્વે સ્ટેશન પાસે આવેલી રામનગરી વિસ્તારમાં કાળીદાસ ભુવાના ત્યાં કાળી ચૌદસના દિવસે વિધિ માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે વિધિ શરૂ થાય એ પહેલાં જ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા (GSPCA) અને વન વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી.
જીએસપીસીએના વોલેન્ટિયર રમેશભાઈએ માહિતી આપી હતી કે, કાળી ચૌદસના દિવસે એક ભુવા વિધિ માટે વન્યજીવોના અંગોનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. આ બાતમીના આધારે વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF)ના માર્ગદર્શન હેઠળ પાદરા રેન્જની ટીમે રામનગરીમાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમ્યાન કાળીદાસ ભુવાના સ્થળ પરથી વિવિધ વન્યજીવોના અવશેષો મળી આવ્યા હતા. જેમાં બે સાબર સિંગના ભાગો, બે જીવતા પાણીના કાચબા, હાથા જોડી તથા એક દિપડાનો નખ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બધો સામાન વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ પ્રતિબંધિત છે.
GSPCA અને વન વિભાગની ટીમે તરત જ મુદ્દામાલ કબજે કરીને કાળીદાસ ભુવાને પાદરા રેન્જ કચેરીમાં લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ આરોપીને કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે “દર વર્ષે કાળી ચૌદસના દિવસે કેટલાક લોકો તંત્ર-મંત્રના બહાને વન્યજીવો પર અત્યાચાર કરતા હોય છે. આવા કૃત્યોને રોકવા માટે અમારી સંસ્થા અને વન વિભાગ સતત ચુસ્ત દેખરેખ રાખે છે.”
આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવ સુરક્ષા અને ધાર્મિક વિધિઓના બહાને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચર્ચા જગાવી છે. વડોદરા જિલ્લામાં કાળી ચૌદસ જેવા તહેવારો દરમિયાન આવી ચકાસણી અભિયાન હવે વધુ કડક બનવાની સંભાવના છે.