Surat: શહેરની અલથાણ પોલીસ સ્ટેશનના PSI સાથે ઝપાઝપી કરનારા નબીરા જૈનમ શાહની અટકાયત કરી છે. અગાઉ અલથાણ પોલીસે જૈનમને માફી પત્ર લખીને જવા દેતા ભારે વિવાદ થયો હતો. જો કે PSI સાથે જૈનમની ઝપાઝપીનો વીડિયો વાયરલ થતાં પોલીસના માથે માછલા ધોવાતા આખરે જૈનમ શાહ સામે અટકાયતી પગલા ભરીને સંતોષ માન્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ સ્થિત કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે હોટલની બહાર પ્રોહિબિશનની પ્રવૃતિ ચાલી રહી છે. આ બાતમીના આધારે અલથાણ પોલીસે દરોડો પાડતા કારમાંથી દારૂના ટીન સાથે વ્રજ શાહ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે અલથાણ પોલીસ મથકના PSI બી.વી. પટેલ વ્રજ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે સમીન શાહનો પુત્ર જૈનમ ત્યાં ધસી આવ્યો હતો અને પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાઈને જૈનમે PSI સાથે ઝપાઝપી કરી હતી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે PSI પર હુમલાની ઘટનામાં અલથાણ પોલીસે ભીનું સંકેલું લીધું હતુ. સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવાને બદલે જૈનમ શાહ પાસે માફીનામું લખાવી છોડી દેવાયો હતો. જો કે વીડિયો ફરતો થતાં સુરત પોલીસની ભારે ટીકા થવા લાગી હતી, જેના પગલે હરકતમાં આવેલ પોલીસે જૈનમ શાહની અટકાયત કરી છે. આ સાથે જ રેસ્ટોરન્ટના DVR મેળવી જૈનમ વિરુદ્ધ ફરજમાં રુકાવટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.