Vadodara News: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં ફટાકડાનાં બજારોમાં ખરીદીની ધૂમ મચી ગઈ છે. વડોદરાથી આશરે 15 કિમી દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડાનું હબ બની ગયું છે. ગામમાં ઠેરઠેર હાટડીઓ અને હોલસેલ આઉટલેટ શરૂ થતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેર જ નહીં પરંતુ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાઓ તથા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ લોકો ફટાકડા લેવા ઉમટી રહ્યા છે.
30 કરોડના ફટાકડાના વેપારનો અંદાજ
આ પણ વાંચો
લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહી ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ફટાકડાના ભાવમાં આશરે પાંચથી સાત ટકાનો વધારો થયો છે, છતાં ખરીદીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. આ વર્ષે આશરે 30 કરોડના ફટાકડાના વેપારનો અંદાજ વ્યક્ત થયો છે.
પિકોક કલર ફાઉન્ટન અને સિમ્બા જેવા ફટાકડા લોકપ્રિય
દિવાળીપુરામાં આવેલ રેઈન્બો ક્રેકર્સ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં બાળકો માટે રમવા બગીચા તથા વડીલો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ઉપલબ્ધ ફટાકડાની નવી વેરાઇટીઓમાં ફૂટી ટિન કોઠી, ફેન્સી ડ્રોન, AK-47 ફાયર ગન, ફ્લાવર વિલ, પિકોક કલર ફાઉન્ટન અને સિમ્બા જેવા ફટાકડા લોકપ્રિય બન્યા છે.
સારા ફટાકડાં ખરીદવા લોકોની લાઇન
ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ જણાવ્યું કે અહીંના ફટાકડા શહેર કરતાં સસ્તા અને ગુણવત્તાયુક્ત છે. વડોદરાના અલ્પેશભાઈએ કહ્યું કે “દર વર્ષે અહીં આવીએ છીએ, લાઇન લાંબી હોય છતાં સારા માલ માટે રાહ જોવી ગમે છે.”
ગ્રાહકોની ઉમટી પડતી ભીડથી વેપારીઓમાં આનંદનો માહોલ
રેઈન્બો ક્રેકર્સના માલિક ઇસ્માઈલભાઈએ જણાવ્યું કે “આ વર્ષે માહોલ અત્યંત સારો છે, મહારાષ્ટ્ર અને સુરતથી પણ લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. ફટાકડાના ભાવમાં નાનો વધારો થયો છે પરંતુ વેચાણ ખૂબ સારું ચાલી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે, ફાયર સેફટી માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બાળકોમાં પોપોપ, ગન અને ઢીંગલી જેવી આઇટમો ખૂબ લોકપ્રિય બની છે. વડોદરાના દિવાળીપુરામાં ફટાકડાનો ઝગમગાટ અને ગ્રાહકોની ઉમટી પડતી ભીડથી વેપારીઓમાં આનંદનો માહોલ છે.
