Vadodara Diwali 2026: વડોદરામાં ફટાકડા બજારમાં નવી વેરાયટીઓનું આકર્ષણ, ભાવમાં 20થી 30 ટકાનો ઉછાળો

ઇમરાન કાપડવાલાના જણાવ્યા અનુસાર, ફટાકડા બનાવવામાં વપરાતા રો-મટીરીયલના ભાવમાં થયેલો વધારો અને તમિલનાડુના શિવાકાશી ખાતે ઉત્પાદનમાં આવેલો ઘટાડો આ ભાવવધારા માટે મુખ્ય જવાબદાર છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 01 Nov 2026 11:36 AM (IST)Updated: Sun, 01 Nov 2026 11:36 AM (IST)
vadodara-diwali-2026-firecracker-market-sees-heavy-crowds-prices-rise-by-20-to-30-pc

Vadodara News: દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ પર ફટાકડાના સ્ટોલ ગોઠવાઈ ગયા છે, જેમાં ખાસ કરીને દિવાળીપુરા સ્થિત ફટાકડા બજારમાં ખરીદી માટે લોકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે.

કાચા માલના ભાવ વધતા ફટાકડા મોંઘા થયા

આ વર્ષે તહેવારોની રોનક વચ્ચે ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. રેમ્બો ક્રેકર્સના વેપારી ઇસ્માઇલ કાપડવાલા અને ઇમરાન કાપડવાલાના જણાવ્યા અનુસાર, ફટાકડા બનાવવામાં વપરાતા રો-મટીરીયલના ભાવમાં થયેલો વધારો અને તમિલનાડુના શિવાકાશી ખાતે ઉત્પાદનમાં આવેલો ઘટાડો આ ભાવવધારા માટે મુખ્ય જવાબદાર છે. જેના કારણે આ વર્ષે તમામ પ્રકારના ફટાકડાના ભાવમાં 20 થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

પરંપરાગત ફટાકડાની જગ્યાએ ફેન્સી આતશબાજીનો ક્રેઝ

ભાવવધારા છતાં નાગરિકોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. જોકે, આ વખતે ખરીદીના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. દાયકાઓથી લોકપ્રિય રહેલી પરંપરાગત કોઠી અને ચકરીની માંગ હવે નહિવત થઈ ગઈ છે. તેની જગ્યાએ નવીનતમ અને આકર્ષક ફેન્સી આતશબાજીએ બજારમાં કબજો જમાવ્યો છે.

બાળકો અને યુવાનો માટે ખાસ આકર્ષણ

બાળકોમાં આ વર્ષે લોલીપોપ પેન્સિલ, પિઝા ટાઈમ ફાઉન્ટેન અને ગન ફાઉન્ટેનનો ભારે ક્રેઝ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે 0.5 ઇંચના સુરક્ષિત ગુબ્બારા ઉપલબ્ધ કરાવાયા છે. આકાશમાં રંગબેરંગી રોશની રેલાવતા સ્કાય શોટમાં આ વખતે નવું નજરાણું ઉમેરાયું છે. અત્યાર સુધી બજારમાં મહત્તમ 3.5 ઇંચ સુધીના જ ગુબ્બારા મળતા હતા, પરંતુ આ વર્ષે પહેલીવાર 2 થી લઈને 7 ઇંચ સુધીના મોટા સ્કાય શોટ અને બાબુ શોટ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.

યુવાનોમાં ખાસ કરીને ડોલર-પોકર વ્હીલ ચકરી, લેઝર શો કોઠી અને 10 થી 15 ફૂટ સુધી જમીન પર સ્પીડમાં દોડતી 'શિકા રનિંગ કાર' અત્યંત લોકપ્રિય બની રહી છે. ભાવવધારા વચ્ચે પણ વડોદરાવાસીઓ નવીન ફટાકડાની ખરીદી કરીને રોશનીના આ પર્વને ધામધૂમથી ઉજવવા પૂરા ઉત્સાહ સાથે તૈયાર દેખાઈ રહ્યા છે.