GUJARAT WOSH 2026: કોળી સમાજના મુખ્યમંત્રી મુદ્દે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મૌન, રાજકીય પ્રશ્ન પર જવાબ આપવાનું ટાળ્યું

વડોદરામાં 'GUJARAT WOSH 2026' કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાએ ઉદ્યોગો માટે કુશળ યુવાનોની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સરકારી યોજનાઓની વાત કરી. તેમણે કોળી સમાજના મુખ્યમંત્રી અંગેના રાજકીય પ્રશ્ન પર ટિપ્પણી કરવાનું ટાળી મૌન સેવ્યું હતું, જે મુદ્દો પબુભા માણેકે ઉઠાવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 07:15 PM (IST)Updated: Fri, 20 Nov 2026 07:15 PM (IST)
vadodara-news-gujarat-wosh-2026-kunvarji-bavaliya-avoids-comment-on-koli-cm-issue

Vadodara: વડોદરાના સેવાસી ખાતે આયોજિત બે દિવસીય ‘GUJARAT WOSH 2026’ (World of Occupational Safety & Health) કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રોજગારી અને ઉદ્યોગ જગત અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જો કે તેમણે રાજકીય પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતુ.

ઉદ્યોગોને સક્ષમ સ્કિલ્ડ યુવાનોની જરૂરઃ કુંવરજી બાવળિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્યોગો નોકરીઓ વધારતા નથી અને ઉદ્યોગ જગતને સંતોષ નથી તેવા કરાયેલા કટાક્ષના સંદર્ભમાં કેબિનેટ મંત્રીએ સ્પષ્ટપણે અસંમતિ દર્શાવતા જણાવ્યું કે, ઉદ્યોગો નોકરી આપતા નથી તેવું બિલકુલ નથી, પરંતુ આજના ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબના સક્ષમ અને કુશળ યુવાનોની આવશ્યકતા છે.

સેવાસી-મહાપુરા રોડ પર FGI પાસે આવેલા આરના લોન્સ ખાતે આજથી શરૂ થયેલા આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી કુંવરજી બાવળિયાએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર યુવાનોને રોજગારી માટે સજ્જ કરવા સતત પ્રયત્નશીલ છે. આ માટે સરકાર દ્વારા સ્કિલ્ડ યુવાનો તૈયાર કરવા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને પીએમ સ્કિલ યોજનાને પણ નવા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે.

અમારું મંત્રાલય યુવાનોને આધુનિક ઔદ્યોગિક માંગ મુજબ કુશળ બનાવવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યું છે, જેથી ઉદ્યોગો અને યુવાનો વચ્ચેનું અંતર ઘટાડી શકાય. બીજી તરફ પત્રકારો દ્વારા કોળી સમાજના મુખ્યમંત્રી અંગે પૂછાયેલા રાજકીય પ્રશ્ન પર મંત્રી કુંવરજી બાવળિયાએ કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને સમગ્ર મામલે મૌન સેવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, વડોદરા દ્વારા તા. 20 અને 21 નવેમ્બર, 2026 એમ બે દિવસ માટે ‘GUJARAT WOSH 2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ સેમિનાર અને પ્રદર્શનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સલામતી નિષ્ણાતો અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએઃ પબુભા માણેક

થોડા દિવસ પૂર્વે દ્વારકામાં કોળી સમાજની વાડીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે સંબોધન કરતાં રાજ્યના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ તેવું નિવેદન આપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.

પબુભા માણેકે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ઉદ્દેશીને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. જે બાદ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ પણ પબુભા માણેકના નિવેદનને પોતાનું સમર્થન આપતા જણાવ્યું હતું કે, કોળી સમાજને મોટું સ્થાન મળવું જ જોઈએ. આવનારા દિવસોમાં આનું રિઝલ્ટ પણ મળશે.