Vadodara: ‘ગુજરાત ફર્સ્ટ’ની નીતિને આંતરરાષ્ટ્રીય સ્તરે વેગ આપવાના હેતુસર રોમાનિયાથી આવેલા એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી વિવિધ ઔદ્યોગિક વસાહતો (GIDC)ની મુલાકાત લીધી હતી.
રોમાનિયા હાલમાં પોતાના દેશમાં એનર્જી, ફાર્માસ્યુટિકલ, ફૂડ સપ્લીમેન્ટ્સ, રિન્યુએબલ એનર્જી અને મેડિકલ સાધનો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના ઝડપી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ સંદર્ભે રોમાનિયાના વડાપ્રધાનના સલાહકાર ઇઓન રાડુ અને જાણીતા ઉદ્યોગપતિ ડો. લ્યુસિયન બારા ખાસ વડોદરાના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા અને અહીંના સ્થાનિક ઉદ્યોગોની કાર્યપદ્ધતિ તથા ક્ષમતાઓનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો
આ મુલાકાત અંગે માહિતી આપતા ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના ચેરમેન અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ વિરલભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતને દેશનું અગ્રણી વિકસિત રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે ‘ગુજરાત ફર્સ્ટ’ની નીતિ અપનાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રોમાનિયાના ડેલીગેટ્સને વડોદરા ઉપરાંત વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી વિવિધ GIDCઓની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ઇપોક્સી હાઉસ, ઈસીએસ, ગ્રીન બ્રિલિયન્સ, ડિવાઇન ટેકનો એન્જિનિયર્સ, નિવિડા સોફ્ટવેર, પીઓડી એનર્જી, મેરિલ લાઇફ સાયન્સ અને સિટિઝન બેગ્સ જેવી નામાંકિત કંપનીઓના પ્લાન્ટ અને ટેકનોલોજીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
સ્થાનિક કંપનીઓની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાથી પ્રભાવિત થઈને રોમાનિયન પ્રતિનિધિમંડળે મહત્વપૂર્ણ વ્યાપારિક નિર્ણય લીધો છે. તેમણે મુલાકાત લીધેલી કંપનીઓ પાસેથી ટ્રાન્સમિશન ટાવર, ટ્રાન્સમિશન કેબલ અને ટ્રાન્સફોર્મર ઉપરાંત સોલાર, બેટરી સ્ટોરેજ સોલ્યુશન તેમજ સોફ્ટવેર ડિઝાઇન સહિતની વિવિધ સેવાઓ અને ઉત્પાદનો મેળવવાનું નક્કી કર્યું છે.
આ સહયોગથી વડોદરા અને દક્ષિણ ગુજરાતની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજાર મળશે, જેનાથી સ્થાનિક ઔદ્યોગિક વિકાસને ચોક્કસપણે મોટો વેગ મળશે.
આગામી વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે કોમનવેલ્થ દેશો સાથે ભારતનો વ્યાપારિક સંબંધ વધુ મજબૂત બને તે દિશામાં નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વ્યાપારિક જોડાણો થકી ‘વિકસિત ભારત 2047’ના ભવ્ય સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બની રહેશે તેવો વિશ્વાસ ઉદ્યોગ જગત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
