દિલજીત દોસાંજની લાઈવ કોન્સર્ટના પગલે ટ્રાફિક એડવાઈઝરીઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતાં રોડ બપોરે 3 વાગ્યાથી વાહનચાલકો માટે બંધ રહેશે

અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 21 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાથી ટ્રાફિક ડાયવર્ઝન રહેશે. પોલીસ કમિશનરે વાહનોની સરળ અવરજવર અને અકસ્માતો નિવારવા માટે વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 04:00 PM (IST)Updated: Fri, 20 Nov 2026 04:00 PM (IST)
diljit-dosanjh-concert-in-ahmedabad-traffic-diversion-near-narendra-modi-stadium-on-nov-21

Ahmedabad: શહેરના મોટેરા સ્થિત 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ખાતે 21 નવેમ્બરના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંજની 'Diljit Dosanjh – RuPay Aura India Tour 2026' લાઈવ મ્યુઝીક કોન્સર્ટ યોજાવા જઈ રહી છે.

આ ભવ્ય કાર્યક્રમમાં VIP, સેલિબ્રિટીઓ તેમજ હજારોની સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાને રાખીને વાહનોની અવરજવર સરળ રહે અને માર્ગ અકસ્માતો નિવારી શકાય, તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

બપોરે 3 વાગ્યાથી મોટેરા સ્ટેડિયમ આસપાસનો રસ્તો વાહનચાલકો માટે બંધ થશે

આવતીકાલે શનિવારના રોજ બપોરે 3 વાગ્યાથી દિલજીત દોસાંજની કોન્સર્ટ પુરી ના થાય, ત્યાં સુધી મોટેરા સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ વાહનચાલકો માટે બંધ રહેશે.

જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતાં-આવતાં બંને તરફનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. જેમાં

વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા થઈ વિસત ટી થઈ જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવલ સર્કલ સુધીના જતાં-આવતાં માર્ગ પરથી અવરજવર કરી શકશે. આ ઉપરાંત કૃપા રેસિડન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

પોલીસ કમિશનરના આદેશ અનુસાર, કોન્સર્ટના કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો ઉપરાંત આ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક રહીશોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.