Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાંથી શહેરકોટડા પોલીસની ટીમે બાતમીના આધારે 13.6 કિલો ગાંજા સાથે ત્રણ 3 શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગાંજાની હેરફેરમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે અન્ય 2 શખ્સોને પણ રાઉન્ડઅપ કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સપ્લાયર અગાઉ પણ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો હતો.
બાતમીના આધારે શહેરકોટડા પોલીસની કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરકોટડા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કડીનો મુનાફખાન ઉર્ફે ભાયો પોતાના સાગરીતો સાથે રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને અસારવા રેલવે સ્ટેશન તરફથી મેમ્કો તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે અસારવા રેલવે સ્ટેશનથી આગળ અલ્કા બેકરી પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ રીક્ષા આવતા પોલીસ ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. રિક્ષામાંથી મુનાફ ખાન ઉર્ફે ભાયો ઉમેદખાન હિમ્મતખાન કુરેશી, હુસેનખાન કાલેખા ઉમરખા પઠાણ અને રિક્ષાચાલક સરફરાજ ઉર્ફે શાહરૂખ ફરીદભાઈ હસુભાઈ શેખને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ કડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગાંજાની હેરફેરમાં ઓડિશાના શખ્સની સંડોવણી
વધુમાં, પોલીસ ટીમે રિક્ષામાં રહેલી 2 બેગમાંથી 7 પેકેટ અને એક આરોપીના જેકેટમાંથી મળેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા આશરે ₹6.81 લાખ કિંમતનો કુલ 13 કિલો 622 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ઓડિશાના ગણેશ નામના શખ્સે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું.
ગણેશે પોતાના 2 સાગરીત નંદકિશોર અને સુમંતા મારફતે ટ્રેનમાં ગાંજો ગોમતીપુર મોકલ્યો હતો. ગાંજાના આ જથ્થા માટે મુનાફખાને નંદકિશોરને ફોન-પે મારફતે ₹75 હજાર ઓનલાઈન ચૂકવ્યા હતા અને ₹1 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ બંને ડિલિવરી બોયને રેલવે સ્ટેશન પર ઉતારીને ત્રણેય આરોપીઓ કડી પરત જઈ રહ્યા હતા.
2 મહિનાથી મુખ્ય સપ્લાયરના સંપર્કમાં હતો મુનાફ
બીજી તરફ, રેલવે LCB ટીમની મદદથી પોલીસે નંદકિશોર અને સુમંતાને પણ રાઉન્ડઅપ કર્યા છે. ઓડિશાના મુખ્ય સપ્લાયર ગણેશને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મુનાફખાન છેલ્લા 2 મહિનાથી ઓડિશાના ગણેશ નામના શખ્સના સંપર્કમાં હતો. તેણે અગાઉ પણ 2 વખત ગાંજાનો જથ્થો મંગાવીને વેચાણ કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, સરફરાજ ઉર્ફે શાહરૂખ શેખ કડી અને આસપાસના વિસ્તાર અંગે પરિચિત હતો. તે ગાંજાના બંધાણી ગ્રાહકોને ઓળખતો હોવાથી ગ્રાહકો સુધી ગાંજો પહોંચાડવા અને માલની હેરફેરમાં મદદ કરતો હતો. ત્રીજો આરોપી બેકાર હતો અને અગાઉ રિક્ષા ચલાવતો હોવાથી ગાંજો પીનારા ગ્રાહકોને શોધી લાવવામાં મદદ કરતો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત ઓટો રિક્ષા, 3 મોબાઈલ ફોન અને રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. વધુમાં, પોલીસ ટીમે ઓડિશાના મુખ્ય સપ્લાયર ગણેશની શોધખોળ અને ગાંજાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
