અમદાવાદમાં મ્યુઝિક ક્રેઝઃ દિલજીત, દર્શન રાવલ અને પપોનની કોન્સર્ટને પગલે ટ્રાવેલ સેક્ટરમાં બૂમ, ફ્લાઈટ-હોટલના ભાડામાં જબરદસ્ત ઉછાળો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Nov 2026 08:44 PM (IST)Updated: Thu, 19 Nov 2026 08:44 PM (IST)
music-craze-in-ahmedabad-diljit-dosanjh-darshan-raval-and-papon-live-concerts-trigger-travel-boom

Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદ શહેર હવે મ્યુઝિકનું હબ બની રહ્યું હોય, તેમ એક પછી એક મેગા કોન્સર્ટનું આયોજન થઈ રહ્યું છે. અગાઉ ગત વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેની કોન્સર્ટે ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે આવનારા દિવસોમાં પણ દિલજીત દોસાંજ, દર્શન રાવલ અને પપોન જેવા જાણીતા ગાયકોના શૉનું આયોજન છે, જેના પગલે દેશના અન્ય ભાગોમાંથી આવતી ફ્લાઈટોના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સાથે જ શહેરની હોટલોમાં પણ રૂમના ભાડા વધી ગયા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજની કોન્સર્ટને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંજ વિશ્વભરમાં પોતાની ગાયિકીથી લોકોને ડોલાવી રહ્યા છે, ત્યારે બે દિવસ બાદ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કોન્સર્ટને લઈને અમદાવાદીઓ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

દિલજીત દોસાંજની કોન્સર્ટને પગલે અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમના એન્ટ્રી ગેટથી સ્ટેજ સુધી અલગ-અલગ લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભીડનો લાભ લઈને મોબાઈલ સ્નેચિંગ, પોકેટ સ્નેચિંગ જેવી ઘટનાઓ રોકવા તેમજ ટિકિટની કાળાબજારી રોકવા માટે સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો વૉચ રાખશે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમની કર્મચારીઓ પણ સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે.

દિલજીત દોંસાજ બાદ પપોન અને દર્શન રાવલની કોન્સર્ટ

21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજની કોન્સર્ટ બાદ અમદાવાદમાં વધુ બે જાણીતા ગાયકોની કોન્સર્ટ થવા જઈ રહી છે. જેમાં લવ લેટર્સ ઈન્ડિયા ટુર 2026 અંતર્ગત મૂળ ગુજરાતી એવા દર્શન રાવલની કોન્સર્ટ યોજાવાની છે. જેમાં 22 નવેમ્બરે સરદાર પટેલ રિંગ રોડ પરના સાવન્ના પાર્ટી લૉન ખાતે સાંજે સાડા પાંચ વાગ્યાથી દર્શન રાવલ પોતાના સુરોના તાલે અમદાવાદીઓને ડોલાવશે.

આજ દિવસે અન્ય એક બૉલિવૂડ સિંગર પપોનની કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સાંજે 7 વાગ્યાથી પપોનની લાઈવ કોન્સર્ટ શરૂ થઈ જશે.

હોટલો હાઉસ ફૂલ, ફ્લાઈટના ભાડા વધવા ટ્રાવેલ સેક્ટર માટે પોઝિટિવ સંકેત

એક પછી એક મોટી મ્યુઝિકલ ઈવેન્ટના કારણે દેશના અન્ય ભાગોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટોના ભાડામાં એકાએક વધારો થઈ ગયો છે. આ ઉપરાંત અમદાવાદની હોટલોમાં પણ ધડાધડ રૂમ બુક થઈ રહ્યા છે, જે ટ્રાવેલ સેક્ટર માટે એક સારા સંકેત ગણી શકાય.

જો ફ્લાઈટના ભાડાની વાત કરીએ તો, મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટ પહેલા 3500 થી 4000 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ વધીને 21 હજાર સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે ચેન્નઈથી અમદાવાદનું ભાડું 8 હજાર રૂપિયાથી વધીને સીધુ 25 હજાર પર પહોંચી ગયું છે. ગુજરાતને અડીને આવેલા મધ્ય પ્રદેશના ઈન્દોરથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું 44 હજાર રૂપિયા બોલાઈ રહ્યું છે. આ સિવાય દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચંદીગઢથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં પણ બે થી ત્રણ ગણો વધારો નોંધાયો છે.