અમદાવાદની 14 શાળામાં થઈ રહ્યો હતો નિયમભંગ? અલ ફલાહ અને ગ્રેસિયસ સ્કૂલને ₹1-1 લાખનો દંડ, અન્ય 12 શાળાને નોટિસ

મંજૂરી વગર વર્ગો ચલાવવા અને સ્થળ બદલવા બદલ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 06:32 PM (IST)Updated: Thu, 19 Nov 2026 06:32 PM (IST)
ahmedabad-deo-school-inspection-14-schools-face-notice-2-school-fines-for-rule-violations

Ahmedabad News: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશ અંતર્ગત નિરિક્ષકો દ્વારા શાળાઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરી શિક્ષણ વિભાગના નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી. આ દરમિયાન 14 જેટલી શાળાઓ નિયમોનું પાલન કરતી ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું.

બે શાળાને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આ મામલે શાળાઓને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ બે શાળાને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય 12 શાળાઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત સંબંધિત શાળા સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે વડી કચેરીમાં રિપોર્ટ પણ મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય 12 શાળાઓ પાસેથી પણ જવાબ માંગ્યો

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ શાળાઓમાં બાળકોની સલામતીથી લઈને માન્યતાની શરતોના પાલન સુધીની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ ટીમને આશરે 14 શાળામાં માન્યતાના નિયમોનો ભંગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.

આ માટે કમિટી બનાવી શાળાઓની સુનાવણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંજૂરી વગર વર્ગો શરૂ કરવા, મંજૂરી ન હોય તેવા સ્થળે શાળા ચલાવવી, મંજૂર સ્થળમાં ફેરફાર કરવો તેમજ મંજૂર કરાયેલા વર્ગો કરતાં વધુ વર્ગો ચલાવવા જેવી અનિયમિતતાઓ ધ્યાનમાં આવી હતી.

અલ ફલાહ સ્કૂલમાં મંજૂરી વગર વર્ગ ચાલતા હતા

રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, તપાસ ટીમના રિપોર્ટ બાદ રખિયાલ વિસ્તારની અલ ફલાહ સ્કૂલને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો ચલાવવાની મંજૂરી ન હોવા છતાં વર્ગો શરૂ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. શાળાને સૂચના આપવામાં આવી છે કે જો મંજૂરી વગર આ વર્ગો ચાલુ રાખવામાં આવશે તો પ્રતિદિન 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

ગ્રેસિયસ સ્કૂલ અલગ સ્થળે ચાલતી હોવાનું ખુલ્યું

મણિનગરની ગ્રેસિયસ સ્કૂલને પણ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ શાળામાં ધોરણ 1થી 4 માટે એક સ્થળે મંજૂરી મેળવવામાં આવી હતી, જ્યારે બાકીના વર્ગો માટે અલગ સ્થળે મંજૂરી લેવામાં આવી હતી. જોકે, શાળા વાસ્તવમાં અલગ સ્થળે ચાલતી હોવાનું સામે આવ્યું હતું. આ રીતે માન્યતાની શરતોનો ભંગ કરવા બદલ શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

14 શાળાઓનો રિપોર્ટ વડી કચેરીમાં મોકલાયો

રોહિત ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, બાકીની શાળાઓને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવશે. તેમની રજૂઆત સાંભળ્યા બાદ જ્યાં દંડનીય કાર્યવાહી કરવાની જરૂર જણાશે ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ 14 શાળા અંગેનો રિપોર્ટ વડી કચેરીમાં મોકલી આપવામાં આવ્યો છે. વડી કચેરી દ્વારા જરૂર જણાય તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.

વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશની વ્યવસ્થા

આ શાળાઓ સામેની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જોખમાય નહીં તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષણ નિરીક્ષકને સૂચના આપવામાં આવી છે કે જરૂર પડે તો વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. જોકે, વડી કચેરી તરફથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સંબંધિત શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવશે.