Surat: શહેરના પાલ વિસ્તારમાં પાણી ભરવા જતી મહિલાને એક બાઈક ચાલકે અડફેટે લીધી હતી, જેમાં મહિલાને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલ લઇ જવાતા ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. આ મામલે પાલ પોલીસે 19 વર્ષીય વિદ્યાર્થીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈકની ઠોકરથી મહિલાના ઘુંટણ નીચેનો પગ ભાંગી ગયો હતો
દાહોદ જિલ્લાના વતની ચીમનભાઈ મસાર (40) તેમની પત્ની અને બે સંતાનો સાથે પાલ લેક ગાર્ડનની પાછળ રહે છે. ચીમનભાઈ અને તેમની પત્ની મીનાબેન મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત 19 નવેમ્બર 2026ના રોજ સાંજના સમયે મીનાબેન વોક વેમાં પાણી ભરવા જતા હતા, ત્યારે એક બાઈક ચાલકે મીનાબેનને અડફેટે લીધા હતા. જેમાં મીનાબેનને ગંભીર ઈજાઓ થઇ હતી. બાઈકની ઠોકરથી મીનાબેનનો જમણો પગ ઘુંટણના નીચેના ભાગેથી ભાંગી ગયો હતો તેમજ ડાબી બાજુના સાથળના ભાગે ગંભીર ઈજા થઇ હતી.
આ અકસ્માત બાદ મીનાબેનને સારવાર અર્થે 108ની મદદથી સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મીનાબેનના મોતને લઈને તેમના 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે
બાઈકની સ્પીડ અંગે RTOની મદદ લેવાશે
આ સમગ્ર મામલે પાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પાલ પોલીસની ટીમે બાઈક ચાલક કરશન ગોરાણીયાને (19) ઝડપી પાડ્યો હતો. એસીપી શ્વેતા ડેનિયલએ જણાવ્યું હતું કે, આરોપી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેની પાસેથી લાયસન્સ મળી આવ્યું છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ બાઈકની સ્પીડ વગેરે મામલે આરટીઓને પત્ર લખીને ટેકનીકલ અભિપ્રાય પણ લેવામાં આવશે.
