Morbi Accident: મોરબીના બરવાળા ગામ પાસે આજે મોડી સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઓટો રિક્ષા અને બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે રિક્ષા ચાલક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બેંકનું કામ પતાવી ઘરે પરત ફરતા યુવકોને કાળનો ભેટો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેવારિયા ગામમાં રહેતા સંજય ડારા પોતાના મિત્ર હાર્દિક રાઠોડ સાથે બેંકનું કામ પતાવીને ડબલ સવારે બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમનું બાઈક નવલખી રોડ પર આવેલ બરવાળા ગામ નજીક પહોંચ્યું, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાયું હતુ. આ ટક્કરના પગલે બન્ને યુવકો હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. જ્યાં ગંભીર ઈજા થતાં બન્ને સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.
બીજી તરફ અકસ્માતમાં રિક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જ્યાં બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. જ્યારે ઘુટુ ગામમાં રહેતા રિક્ષા ચાલક સાગરને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
