EPFO New Rules: એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા પોતાના કરોડો સભ્યોના હિતમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સંગઠને ખાતાધારકોને તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાંથી સમયાંતરે નાણાં ઉપાડવાની સુવિધા આપતા 'સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન' (SWP) ને લીલી ઝંડી આપી દીધી છે.
આ નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે સભ્યોએ નિવૃત્તિ સમયે પોતાની સંપૂર્ણ બચત એકસાથે ઉપાડવાની ફરજ નહીં પડે, પરંતુ તેઓ પોતાની જરૂરિયાત મુજબ ટૂકડે-ટૂકડે (હપ્તામાં) આ રકમ મેળવી શકશે.
PF ખાતામાં લઘુત્તમ બેલેન્સ અને ઉપાડના નિયમોમાં મોટી રાહત
સભ્યોને વધુ આર્થિક સુગમતા મળી રહે તે માટે EPFOએ ખાતામાં ફરજિયાત રાખવા પડતા લઘુત્તમ બેલેન્સની મર્યાદામાં ઘટાડો કર્યો છે. ગત વર્ષે નક્કી કરાયેલી 25 ટકાની લઘુત્તમ બેલેન્સની મર્યાદાને હવે ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવી છે, જેનાથી ખાતાધારકો વધુ રકમ ઉપાડી શકશે.
આ ઉપરાંત નોકરી છૂટી ગયા બાદ PF ના નાણાં ઉપાડવા માટેના નિયમો પણ હળવા કરાયા છે. અગાઉ જે વેઇટિંગ પિરિયડ વધારીને એક વર્ષ કરવામાં આવ્યો હતો, તેને પાછો ખેંચીને ફરીથી બે મહિનાનો કરી દેવાયો છે. એટલે કે, સતત બે મહિના સુધી બેરોજગાર રહ્યા બાદ કોઈપણ સભ્ય પોતાના PF ખાતાના અંતિમ સેટલમેન્ટ માટે દાવો કરી શકશે. જો કે પેન્શન ફંડમાંથી અંતિમ પેન્શન ઉપાડવા માટેની ઓછામાં ઓછા 36 મહિનાના વેઈટિંગ પીરિયડને યથાવત રાખવામાં આવ્યો છે.
ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવાયા નિર્ણયો, બે મહિનામાં થશે અમલ
આજ રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના ટ્રસ્ટી બોર્ડની 240મી બેઠક યોજાઈ હતી, જેમાં સભ્યોની સુવિધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ બેઠકમાં નવા SWP પ્લાનને વહેલી તકે લાગુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને આગામી બે મહિનામાં આ યોજના કાર્યરત થઈ જવાની પૂરી શક્યતા છે.
આ બેઠક દરમિયાન પેન્શન સુધારા, PF માં વધુ સુગમતા, રોકાણ વ્યવસ્થાપન, વહીવટી સુધારા અને સંગઠનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ નવી 'સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન' (SWP) વ્યવસ્થા હેઠળ, નિવૃત્ત થનારા કર્મચારીઓ પોતાની જરૂરિયાત મુજબ દર મહિને, દર ત્રણ મહિને અથવા દર છ મહિને નિયમિતપણે PF ની રકમ ઉપાડી શકશે.
ખાસ વાત એ છે કે, ખાતામાં જે રકમ જમા રહેશે, તેના પર નિયમ મુજબ વ્યાજ મળવાનું ચાલુ રહેશે. આ યોજના સંપૂર્ણપણે સભ્યની મરજી પર આધારિત છે, એટલે કે તેમાં નાણાં ઉપાડવા માટે કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં નહીં આવે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અને લાભાર્થીઓ
બોર્ડના મતે, આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ નિવૃત્ત જીવનમાં નિયમિત આવકનો સ્ત્રોત ઊભો કરવાનો, એકસાથે મળતા નાણાંને ખોટી જગ્યાએ રોકવાનું જોખમ ઘટાડવાનો અને ફંડને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો છે. સાથોસાથ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને પણ સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે.
આ યોજનાના પ્રથમ તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના લગભગ 6.32 લાખ ખાતાધારકોને લાભ મળશે, જેમના PF ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. જો હપ્તા શરૂ થયા બાદ સભ્યનું દુર્ભાગ્યવશ મૃત્યુ થાય, તો તેમના પરિવારજનો કે નોમિની પાસે બાકીની રકમ એકસાથે ઉપાડી લેવાનો અથવા નિયમિત હપ્તા સ્વરૂપે મેળવતા રહેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે.
