339 અંગોના દાનથી અનેક લોકોને મળ્યું નવજીવન, સુરતમાં 103 અંગદાતા પરિવારોનું બહુમાન

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાના હસ્તે અંગદાન માટે દિવસ-રાત મહેનત કરનાર નવી સિવિલ હોસ્પિટલની સમર્પિત ટીમના સભ્યોને શાલ અને મોમેન્ટોના સન્માન સાથે શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ બિરદાવવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Nov 2026 02:43 PM (IST)Updated: Fri, 20 Nov 2026 02:43 PM (IST)
surat-news-103-organ-donor-families-honoured-for-donating-339-organs

Surat News: અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 339 અંગોનું દાન કરી અનેક લોકોને નવજીવન આપનાર 103 અંગદાતા-જીવનદાતા પરિવારો તેમજ તબીબી અધિક્ષક ડૉ.પારુલ વડગામા સહિત તબીબો, મેડિકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ અને કાઉન્સેલરો અને તમામ ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલની સમર્પિત ટીમના સભ્યોનું સન્માન

જીવન વિકાસ સોસાયટી, ગોકુલમ્ ડેરી નજીક, અઠવાલાઈન્સ ખાતે આયોજિત ન્યુ સિવિલ હોસ્પિટલ ટીમના અભિવાદન સમારોહમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાના હસ્તે અંગદાન માટે દિવસ-રાત મહેનત કરનાર નવી સિવિલ હોસ્પિટલની સમર્પિત ટીમના સભ્યોને શાલ અને મોમેન્ટોના સન્માન સાથે શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ બિરદાવવામાં આવી હતી.

દિલીપદાદાએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું કે, સુરત સિવિલથી શ્રેણીબદ્ધ અંગદાનની આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી, આ દરેક ટીમના સભ્યો, આરોગ્ય સ્ટાફ, કાર્યકરના યોગદાનનું પરિણામ છે. દરેક કાર્યકરનું યોગદાન છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. સૌએ સાથે મળીને આ યજ્ઞને સફળ બનાવ્યો છે. ટીમની નિષ્ઠા, સંવેદના અને સતત પ્રયત્નોના કારણે જ આજે સુરત અંગદાન ક્ષેત્રે દેશમાં આગળ છે.

ડ્રગ્સના દૂષણને દૂર કરવા સાયકલ રેલી યોજાશે

તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યુવાનોમાં ડ્રગ્સના દૂષણને દૂર કરવા અને વ્યસનમુક્તિના હેતુથી કરમસદ મેડિકલ કોલેજ સુધી સાયકલ રેલી યોજાશે એમ જણાવી વર્ષમાં 2 વાર સુરતમાં કાર્યકરો એકત્ર થાય, ઉપરાંત અંગદાન અંગે નવા વિચારો, અનુભવો અને માર્ગદર્શન મળી શકે એ માટે તબીબોની કોન્ફરન્સ યોજવા તેમજ સુરતમાં ICU વાળી હોસ્પિટલોમાં વધુ સંપર્ક કરી વધુને વધુ બ્રેઈનડેડ દર્દીઓના પરિવારોને અંગદાન માટે સમજાવી શકાય અને મહત્તમ લોકોના જીવન બચાવી શકાય એવું પણ સૂચન કર્યું હતું.

સન્માન સમારોહ બાદ સૌ કાર્યકરો સાથે હળવા અંદાજમાં બેઠક થઇ હતી. જેમાં આગામી કાર્યક્રમો અને અંગદાન પ્રવૃત્તિને વ્યાપક બનાવવા વિચારોનું આદાનપ્રદાન કરી સૌએ રચનાત્મક સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કવયિત્રી સોનલ જૈને કાવ્યપંક્તિઓ રજૂ કરી કવિતાના માધ્યમથી અંગદાનની સફળ કામગીરી વર્ણવી હતી. સૌએ ‘અંગદાન એ જ મહાદાન- જીવન માટે જીવન’ના મંત્ર સાથે અંગદાનનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો અને વધુ જીવન બચાવવાનો સંકલ્પ લીધા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 260થી વધુ અને સુરતમાં 103 જેટલા અંગદાન થયા

દિલીપદાદાએ જણાવ્યું હતું કે, જ્યારે અંગદાન જનજાગૃતિની શરૂઆત કરી ત્યારે આટલો અંદાજ પણ ન હતો કે આ અભિયાન આટલા મોટા મુકામ પર પહોંચશે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી 260થી વધુ અને સુરતમાં 103 જેટલા અંગદાન થયા છે. આટલી મોટી માત્રામાં અંગદાન કરાવનાર આ બંને ભારતની પ્રથમ હોસ્પિટલો છે. આ સિદ્ધિ બદલ તેમણે સંતોષ વ્યક્ત કરી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.