Surat News: શિક્ષિકાની અંતિમ શીખ:જીવન બાદ પણ પરોપકાર, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી

હાથને સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Feb 2026 07:23 PM (IST)Updated: Mon, 09 Feb 2026 07:23 PM (IST)
teachers-final-lesson-philanthropy-even-after-life-organ-donation-giving-new-life-to-three-people-spreading-the-fragrance-of-humanity

Surat News: કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ બ્રેઈન ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. હાથને સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ નાણાવટ ફળિયું, કરંજ, પારડી, ઓલપાડ, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 કલાકે મેલડી માં ના મંદિરની સાલગીરી નિમિતે ગામમાં કરંજ મહિલા ભજન મંડળ દ્વારા રાખવામાં આવેલ ભજનના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

તા. 6 ફેબ્રુઆરીના રોજ ન્યુરોફીજીશીયન ડૉ.ભૌતિક પટેલ, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. શ્રેયા મહેશ્વેરી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડો. ડો. નિમિષ પરીખ અને RMO ડૉ. પૂજા પટેલે જાગૃતિબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. જાગૃતિબેનના પરિવાર અને ચેમ્બરના સભ્ય અંકુર પટેલે ડોનેટ લાઈફના CEO અને ટ્રસ્ટી નિરવ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, જાગૃતિબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જાગૃતિબેનના પતિ દિલીપ ભાઈ, પુત્રીઓ હની અને ધ્વની, પુત્ર પ્રિન્સ, પિતા શાંતુભાઈ અને ભાઈ મનીષભાઈ, જમાઈ નિકુંજકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. પરિવારજનો એ ત્યારબાદ ગુરુહરી પ્રબોધ સ્વામીજી અને ગુરુપ્રસાદ સ્વામીનો સંપર્ક કર્યો ત્યારે ગુરુહરી પ્રબોધ સ્વામીજીએ તેઓને જણાવ્યું કે પંચમહાભૂતનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જાય પરંતુ જો જાગૃતિબેન ના અંગદાન કરવામાં આવે તો અંગ નિષ્ફળતાના વ્યક્તિઓને નવજીવન મળશે, તેમ જણાવી ગુરુહરી પ્રબોધ સ્વામીજીએ તેમને આશીર્વાદ આપ્યા.

ત્યારબાદ પરિવારે અંગદાનની સંમતી આપી હતી. જાગૃતિબેનના પરિવારમાં પતિ દિલીપભાઈ ઉ.વ. ૫૭ ખેતીકામ કરે છે, બે પુત્રી પૈકી એક પુત્રી ધ્વની .વ. ૨૬ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, બીજી પુત્રી હની નિકુંજભાઈ પટેલ ઉ.વ. ૩૦ પરણિત છે, પુત્ર પ્રિન્સ દિલીપભાઈ પટેલ ઉ.વ. ૨૨ SPB ફીઝીયોથેરાપીસ્ટ કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.

પરિવારજનો તરફથી કિડની, લિવર, હૃદય, ફેફસા, હાથ અને ચક્ષુઓને દાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ મેડીકલ કારણોસર જાગૃતિબેનના કીડની, લીવર, હૃદય અને ફેફસાની ફાળવણી થઈ ન હતી. હાથના દાન માટે ગુજરાતમાં કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા જમણો હાથ ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યો હતો.