યુસુફ પઠાણ પ્લોટ વિવાદ: વડોદરા કોંગ્રેસની કાયદાકીય લડતની ચીમકી, સહકારનગરના રહીશોને ન્યાયની માગ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના નિર્ણય સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે સહકારનગરના રહીશોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 03:16 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:16 PM (IST)
vadodara-congress-protests-plot-allotment-to-yusuf-pathan-threatens-legal-battle-for-sahakarnagar-residents

Vadodara: વડોદરા મહાનગરપાલિકાની (VMC) સામાન્ય સભામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના લેવાયેલા નિર્ણય સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ મામલે શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યો કે, ભાજપ દ્વારા શહેરની જનતા સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. સામાન્ય સભામાં બહુમતીના જોરે પ્રજા વિરોધી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

સહકારનગરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો છે, અમે કોર્ટના દ્વાર ખટખટાવીશું

એક તરફ શહેરના સહકારનગરના રહીશોને હજી સુધી તેમના હકના રહેવાના મકાનો મળ્યા નથી અને તેમને નિયમિત ભાડા પણ ચૂકવવામાં આવતા નથી, જેના કારણે સામાન્ય નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો છે. બીજી તરફ ભાજપ શાસિત પાલિકા દ્વારા પ્લોટ ફાળવણી જેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે, આ મુદ્દે તેઓ શાંત નહીં બેસે. શહેર કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી કે, શહેરની જનતાના હિત માટે અને આ નિર્ણયને પડકારવા માટે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ કાયદાકીય લડત આપવા માટે કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે.