Suvarna Pratishtha Mahotsav:સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને એક દિવ્ય ‘સંત સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંપ્રદાયોના પૂજનીય સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.
સંતોનું શાસ્ત્રોક્ત વિધિ અને પુષ્પહારથી યથાયોગ્ય સન્માન
આ સંત સંમેલનમાં જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધિપતિ, સોમયાજી દીક્ષિત અનંત વિભૂષિત દ્વારકેશલાલજી મહારાજ, હરિધામ સોખડાથી પ્રાણેશદાસજી સ્વામી, બાકરોલ હવેલીથી સુચેતનદાસજી સ્વામી સહિત અનેક સંતો-મહંતો વિશેષરૂપે પધાર્યા હતા. મંદિર પરિવાર અને આચાર્ય સ્વામી દ્વારા ઉપસ્થિત તમામ પૂજનીય સંતોનું શાસ્ત્રોક્ત વિધિ અને પુષ્પહારથી યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ પોતાના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક સમરસતાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો.
નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી
મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાનના પાવન ચરણ જ્યાં પડે છે ત્યાં પવિત્રતા, સંસ્કાર અને ભક્તિનો પ્રકાશ પ્રગટે છે, તેવા દિવ્ય ભાવ સાથે સંગીત, નૃત્ય અને અભિનયના સમન્વયથી એક સુંદર નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિ દ્વારા ભગવાનના દિવ્ય મહિમા અને ધાર્મિક મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણ, મહાપૂજા અને ભવ્ય આરતી સહિતના વૈવિધ્યસભર આધ્યાત્મિક અનુષ્ઠાનો યોજાયા હતા.
આ અણમોલ અને ઐતિહાસિક અવસરમાં શહેરના અને રાજ્યના રાજકીય મહાનુભાવોએ પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી દર્શન-આશીર્વાદનો લાભ લીધો હતો. મહોત્સવમાં સહભાગી થવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી પણ હરિભક્તોનો વિશાળ સમુદાય ઉમટી પડ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ અને હરિભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
