Neelkanth Varni Maharaj Statue: નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે આજે 26 માર્ચ, ગુરુવારના રોજ નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ શ્રદ્ધા અને ભવ્યતા સાથે સંપન્ન થયો છે. આ મહોત્સવ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્ય અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં વિશ્વભરમાંથી હજારો હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળ તપસ્વી સ્વરૂપનું દિવ્ય પ્રતીક
સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સ્થાપિત કરવામાં આવેલ ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપ નીલકંઠ વર્ણીની આ 108 ફૂટ ઊંચી મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી "એક પગ પર સ્થિત" મૂર્તિ છે. આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે, જે ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમના બાળ સ્વરૂપે પુલહાશ્રમમાં ચાર માસ સુધી નિર્જલ અને નિરન્ન રહીને કરેલા કઠોર તપનું જીવંત પ્રતિબિંબ છે.
#WATCH | Delhi: A 108-ft tall statue of Neelkanth Varni, depicting young Swaminarayan, to be consecrated at Swaminarayan Akshardham Temple today.
— ANI (@ANI) March 26, 2026
(Video Source: BAPS) pic.twitter.com/DdBwU2VloP
આ મૂર્તિ માત્ર 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી અને 7 વર્ષ સુધી ચાલેલી તેમની સમગ્ર ભારતભરની કલ્યાણયાત્રા, ત્યાગ, નિર્ભયતા અને ભક્તિના આદર્શોનું શક્તિશાળી સ્વરૂપ છે. વિશ્વપ્રસિદ્ધ નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે આ ભવ્ય ઉજવણી અંતર્ગત 25 અને 26 માર્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાડી યુદ્ધ વિરામ માટે વૈશ્વિક શાંતિ યજ્ઞ
25 માર્ચે મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં એક વૈશ્વિક શાંતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે વર્તમાન ખાડી યુદ્ધના વિરામ માટે વિશેષ શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી અને પ્રતીકરૂપે શ્વેત કબૂતરોને આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
26 માર્ચની પ્રાતઃકાળે 6:00 વાગ્યે અક્ષરધામ પરિસરમાં નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠાના પવિત્ર વૈદિક વિધિઓનો શુભ આરંભ થયો હતો. પ્રાતઃકાળથી જ હજારો ભક્તો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર પરિસર ભજન તેમજ વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું.
ભારત અને વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા આશરે 300 સંતોએ આ પ્રસંગને પોતાની દિવ્ય ઉપસ્થિતીથી પાવન બનાવ્યો હતો. મુખ્ય પ્રતિષ્ઠા વિધિ 108 ફૂટની ઊંચાઈએ મહંત સ્વામી મહારાજ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ વિશાળ કાર્યક્રમ હજારો સેવકો અને સંતોના નિઃસ્વાર્થ સેવા ભાવ અને સમર્પણથી સુવ્યવસ્થિત રીતે પાર પડ્યો હતો.
મહંત સ્વામી મહારાજના આશીર્વચન
મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ પોતાના આશીર્વચન પાઠવતા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, “આ સૌથી સુંદર મૂર્તિ છે. તે સમગ્ર વિશ્વમાં શાંતિનો પ્રસાર કરશે. જે કોઈ અહીં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આવશે, તે સદગુણોની પ્રેરણા મેળવી કલ્યાણને પામશે. આ મૂર્તિ ભક્તોની ભાવના અને શુભ મનોકામનાઓને પણ પૂર્ણ કરશે.”
આ નવી 108 ફૂટની મૂર્તિની સ્થાપના સાથે સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીએ એક વૈશ્વિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને નૈતિક કેન્દ્ર તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવી છે, જે આવનારી પેઢીઓને શાંતિ અને ઉચ્ચ જીવન મૂલ્યોની પ્રેરણા આપતી રહેશે.
