Vadodara: વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ (Yusuf Pathan Plot) ફાળવવાની દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરવામાં આવતા ભારે રાજકીય ગરમાવો અને હોબાળો જોવા મળ્યો હતો. આ દરખાસ્તના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સભાગૃહની અંદર અને બહાર બંને સ્થળે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભા પૂર્વે જ વિરોધની આશંકાને પગલે પાલિકા તંત્ર દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો સિવાયના અન્ય કોંગ્રેસ નેતાઓ માટે પાલિકા પરિસરમાં 'નો એન્ટ્રી' ફરમાવવામાં આવી હતી. કોર્પોરેશનના મેયર ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓએ એકત્ર થઈને તંત્રની નીતિ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો
ગરીબોને આવાસ અને ખેલાડીઓને જમીન આપવાની માંગ
સભાગૃહની અંદર કોંગ્રેસના કોર્પોરેટરોએ આ દરખાસ્ત પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા એવી માંગ ઉઠાવવામાં આવી હતી કે શહેરના ગરીબ પરિવારોને આવાસ ફાળવવામાં આવે તેમજ સ્થાનિક હિન્દુ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જમીન આપવામાં આવે. જોકે, વિપક્ષના ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે શાસક પક્ષ દ્વારા યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્તને બહુમતીના જોરે મંજૂર કરી દેવામાં આવી હતી.
કોંગ્રેસ કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરોને 'પઠાણ' કહેતા મામલો ગરમાયો
દરખાસ્ત પર જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીના નિવેદનને પગલે સભાગૃહમાં વાતાવરણ વધુ તંગ બન્યું હતું. કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ શાસક પક્ષ પર પ્રહાર કરતા ભાજપના તમામ કોર્પોરેટરોને 'પઠાણ' કહીને સંબોધ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો.
કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભાજપ હિન્દુત્વના નામે મત મેળવે છે અને બીજી તરફ યુસુફ પઠાણને 20 કરોડ રૂપિયાની કિંમતનો પ્લોટ મફતમાં આપી રહ્યું છે, જે 20 સાંસદોની સામે 20 કરોડનો પ્લોટ આપવા બરાબર છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા હરણી બોટ કાંડના પીડિતોને પૂરતી સહાય કરવામાં આવી નથી કે તાંદલજા વિસ્તારના ગરીબોને આવાસ ફાળવવામાં આવ્યા નથી, પરંતુ યુસુફ પઠાણને પ્લોટની લહાણી કરવામાં આવી રહી છે. આમ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ભારે સૂત્રોચ્ચાર વચ્ચે પાલિકાની સામાન્ય સભામાં આ વિવાદાસ્પદ દરખાસ્ત પર મહોર મારવામાં આવી હતી.
