Surat: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં હોજીવાલા રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં આગને પગલે અફરાતફરી મચી જવા પામી છે.
ભેસ્તાન, ઉન અને ઉધના સ્ટેશનની ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે | Sachin GIDC Factory Fire Surat
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સચિન GIDC વિસ્તારના હોજીવાલા રોડ પર આવેલી એક કાપડની ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીમાં કાપડનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ ઘટનાના પગલે ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકો તેમજ આસપાસની ફેક્ટરીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ભેસ્તાન, ઉન અને ઉધના ફાયર સ્ટેશનની 5 જેટલી ગાડીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલ કાપડનો જથ્થો તેમજ મશીનરી બળી ગઈ હોવાનો અંદાજો છે. આગના વિકરાળ સ્વરૂપને જોતા સુરક્ષા કારણોસર પોલીસ દ્વારા આસપાસના વિસ્તારને હાલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
