Rajkot: રાજકોટ ખાતે નવા વર્ષ નિમિત્તે કોળી સમાજ દ્વારા સામાજિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના વરિષ્ઠ આગેવાન કુંવરજી બાવળિયાએ સમાજની એકતા અને રાજકીય અટકળો પર સ્પષ્ટતા કરી છે.
કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, રાજકોટ ખાતે સંકલન સમિતિ અને સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા આયોજિત સ્નેહમિલનના ભાગરૂપે સમાજના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો, અગ્રણીઓ, કર્મચારી મંડળના હોદ્દેદારો તેમજ સંતો-મહંતો એકત્ર થયા હતા. આ સંપૂર્ણપણે એક સામાજિક સ્નેહમિલનનો પ્રસંગ છે અને તે સિવાય અન્ય કોઈ બીજી વાત નથી.
બાવળિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમારો સમાજ ભલે મોટો હોય, પરંતુ સૌ સમાજને સાથે રાખીને જે કંઈ નિર્ણયો થતા હોય છે તે હાઈકમાન્ડમાંથી જ થતા હોય છે. કોઈ એક વ્યક્તિ કે એક સમાજ કોઈ નિર્ણય કરી શકતા નથી.
આ સામાજિક સ્નેહમિલનમાં સમાજના વિકાસ અને ઉત્કર્ષને લગતા કુલ પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર છે, જેમાં ભારતી બાપુએ સૂચવેલા મુદ્દાઓ સિવાય અન્ય કોઈ બિનજરૂરી ચર્ચા કરવામાં આવશે નહીં.
