Rajkot Tulsi Vivah 2026: રાજકોટમાં ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને આહિર સમાજની પરંપરાગત સંસ્કૃતિનો અદભુત સંગમ સર્જાય તેવો ભવ્ય સામૂહિક તુલસી વિવાહ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો), સતશ્રી આંબેવપીર ધામ (પાણ) તથા આહીર સમાજ રાજકોટના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ મહોત્સવમાં પરંપરાગત લગ્નપ્રસંગને ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં ધાર્મિક વિધિઓની સાથે શાહી વરઘોડો, લોકસંસ્કૃતિ, સંગીત અને પરંપરાગત રાસની ઝલક જોવા મળશે.
11 કિલોમીટર લાંબી શોભાયાત્રા રાજાશાહી સમયની યાદ અપાવશે
આહિર સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂપરેખા મુજબ આશરે 11 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 1111 કારથી લઈને ઘોડેસવારો, બગી, વિન્ટેજ કાર, બળદગાડાં અને બુલેટ સહિતની સવારી જોડાશે. એક તરફ આધુનિક વાહનોની વિશાળ કતાર જોવા મળશે તો બીજી તરફ પરંપરાગત સવારી દ્વારા જૂના સમયની રાજાશાહી અને સંસ્કૃતિની યાદ તાજી થશે.
આ આયોજન માત્ર એક ધાર્મિક પ્રસંગ પૂરતું સીમિત ન રહેતાં સમાજના નાના-મોટા તમામ વર્ગોને એક મંચ પર જોડવાનું માધ્યમ બનશે. પરિવારજનો, સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો આ મહોત્સવમાં સહભાગી બનશે.
આ સામૂહિક તુલસી વિવાહમાં 11 લાખના સાબ મામેરાનું આયોજન પણ વિશેષ આકર્ષણ રહેશે. ભારતીય લગ્નપરંપરામાં મામેરાનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્ત્વ રહેલું છે. આ પરંપરાને સામૂહિક સ્વરૂપે ઉજવીને સમાજમાં એકતા, સહકાર અને પારિવારિક ભાવનાનો સંદેશ આપવામાં આવશે.આવા સામૂહિક આયોજનથી સમાજના પરિવારોને એકબીજા સાથે જોડાવાની તક મળે છે. લગ્નપ્રસંગની ભવ્યતા સાથે સામાજિક સંવાદિતા અને સહભાગિતાને પણ પ્રોત્સાહન મળશે.
આગામી 20 અને 21 નવેમ્બરના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, મહામંગળ પ્રસંગ, ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ, જાન પ્રસ્થાન અને આહીર રાસ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લોકડાયરામાં જાણીતા કલાકારો પોતાની લોકસંગીતની પ્રસ્તુતિ આપશે. આહીર સમાજની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ અને અન્ય કાર્યક્રમો પણ યોજાશે. સમગ્ર આયોજનમાં ધાર્મિક વિધિથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સુધીની વિવિધ પ્રવૃત્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે.
પાળના ઠાકર અને સંતશ્રી આંબેવપીર ધામ (પાળ) ના સાનિધ્યથી ભાનુઆઈમાં ના માર્ગદર્શન હેઠળ બંધવાળા મેલડીમાના સાનિધ્ય ખોખળદળ ખાતે જાડેરી જાન જોડી પહોંચશે અને શક્તિ સાંનિધ્યમાં તુલસી વિવાહ સંપન્ન થશે.
આ ભવ્ય તુલસીવિવાહના આયોજનમાં 1111 કાર, 111 ઘોડી, 31 બગી, 11 વિન્ટેજ કાર, એક હાથી, 11 બળદગાડાં, ગુજરાતનું વિખ્યાત કોહિનૂર બેન્ડ, 51 ઢોલ-શરણાઈ, ભવ્ય તલવાર રાસ, 11 કિલોમીટર લાંબી શોભાયાત્રા, શુભ ચોકડી રાસ અને 111 બુલેટ સહિત ઠાકરની જાનમાં લાખો જાનૈયાઓ જોડાશે
