Vadodara Accident News: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કચરો એકત્ર કરવા માટે ફેરવવામાં આવતી ડોર-ટુ-ડોર ગાડીના ચાલકની ગફલતના કારણે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે. શહેરના બિલ-ચાપડ રોડ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ એક યુવકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના બિલ-ચાપડ રોડ પરથી પ્રવીણભાઈ તડવી નામનો યુવક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ અને પૂરપાટ ઝડપે ચલાવીને પ્રવીણભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રવીણ તડવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, જે ગાડી દ્વારા અકસ્માત સર્જાયો, તે કચરાની ગાડી પર કોઈ નંબર પ્લેટ પણ નહોતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર ચાલતી આવી ગાડીઓ સામે અગાઉ પણ સવાલો ઉઠ્યા છે, પરંતુ ઘોર બેદરકારીના કારણે આજે એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવવું કાયદાકીય ગુનો છે, છતાં સત્તાવાર વાહનો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે.
આ કરૂણ અકસ્માતના કારણે હસતો-રમતો પરિવાર બરબાદ થઈ ગયો છે. મૃતક પ્રવીણભાઈ તડવીના પરિવારમાં માત્ર 3 વર્ષનું નાનું બાળક છે, જેણે પોતાના પિતાની છત્રછાયા હંમેશા માટે ગુમાવી દીધી છે. પિતાની આકસ્મિક વિદાયથી માસૂમ બાળકના માથેથી પિતાનો સાથ છીનવાઈ ગયો છે, જ્યારે પત્ની અને વૃદ્ધ પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરી નંબર પ્લેટ વગરની ગાડી ચલાવનાર ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
