વડોદરા: સાવલી-હાલોલ રોડ પર કન્ટેનર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં કમકમાટીભર્યા મોત, બાળક ગંભીર

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર કંબોલા ગામ નજીક કન્ટેનર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 09:40 AM (IST)Updated: Sun, 25 Oct 2026 09:40 AM (IST)
vadodara-savli-halol-road-container-bike-accident-two-dead-child-critical

Vadodara Accident: વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર આવેલા કંબોલા ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રોડ પર પુરપાટ ઝડપે દોડતા એક કન્ટેનર ચાલકે બેદરકારીપૂર્વક વાહન રિવર્સ લેતી વખતે પાછળથી આવી રહેલી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક નાનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે.

કન્ટેનરે બાઈકને અડફેટે લેતાં 2ના મોત

મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, કંબોલા ગામ નજીક કન્ટેનર ચાલકે અચાનક અને કોઈ જ સાવચેતી વગર રિવર્સ ડ્રાઇવિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન પાછળથી પસાર થઈ રહેલી બાઈક કન્ટેનરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક પર સવાર વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં બે નિર્દોષ નાગરિકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા, જેને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બાળકની સ્થિત ગંભીર

ઘટનાની જાણ થતાં જ ગુજરાત સરકારની 112 જનરક્ષક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા માસૂમ બાળકને તાત્કાલિક સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફરાર કન્ટેનર ચાલક સામે કાર્યવાહી

અકસ્માતની આ કરૂણ ઘટના બનતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ભારે વાહનો પર અંકુશ લાવવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દુર્ઘટનાને પગલે કંબોલા ગામ સહિત સમગ્ર સાવલી-હાલોલ વિસ્તારમાં શોક અને અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.