વડોદરા: દરજીપુરા બ્રિજ પર હિટ એન્ડ રનની ગોઝારી ઘટના, અજાણ્યા વાહને એક્ટિવા સવાર મહિલાને કચડી નાખતા કરુણ મોત

વડોદરામાં NH 48 પર દરજીપુરા બ્રિજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો. પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને એક્ટિવા સવાર મહિલાને કચડી નાખતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 07:28 AM (IST)Updated: Sun, 25 Oct 2026 07:28 AM (IST)
vadodara-darjipura-bridge-accident-woman-died-balasinor

Vadodara Road Accident: વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર થમવાનું નામ લઈ રહી નથી. નેશનલ હાઇવે 48 પર દરજીપુરા એરફોર્સ બ્રિજ પર એક અત્યંત કરુણ અને ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત

મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે 48 પર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જતા દરજીપુરા એરફોર્સ બ્રિજ પરથી એક મહિલા પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને એક્ટિવા સવાર મહિલાને જોરદાર અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અજાણ્યા વાહનનું ટાયર મહિલા પર ફરી વળતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.

વાહનચાલકોમાં અરેરાટી વ્યાપી

અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માર્ગ પર માનવ માંસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ, એમ્બ્યુલન્સ સેવા અને સ્થાપનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને રોડ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ બાલાસિનોરના રહીશ લતાબેન સુનિલસિંહ ઝાલા તરીકે થઈ છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ માટે હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાને ટક્કર મારનાર વાહન કયું હતું અને તેનો ચાલક કોણ હતો, તે અંગેનો ખુલાસો પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ અને આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસ્યા બાદ જ સામે આવશે. હરણી પોલીસ હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.