વડોદરા: શિનોર નજીક કારની ટક્કરે 4 વર્ષીય બાળકીનું મોત, કરજણમાં હીટ એન્ડ રનનો બનાવ; આશાસ્પદ યુવકનું મોત

બંને બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 08:49 AM (IST)Updated: Tue, 06 Oct 2026 08:49 AM (IST)
vadodara-road-accidents-in-sinor-and-karjan-taluka-2-people-die
AI Generated Image

Vadodara Road Accident: વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ તાલુકામાં સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 4 વર્ષની માસૂમ બાળકી અને 24 વર્ષના યુવકનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બંને બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરાશામળ પાસે રોડ ક્રોસ કરતી બાળકી અડફેટે ચડી

પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ કવાંટ તાલુકાના તુરખેડા ગામના વતની અને હાલ શિનોર તાલુકાના સુરાશામળ ગામે હરેશભાઈ પટેલના કૂવા પર રહી મજૂરીકામ કરતા નરસિંહભાઈ નાયકાની 4 વર્ષની દીકરી નેહા ચાર દિવસ અગાઉ સવારના સમયે ગામની સીમમાં આવેલ કબ્રસ્તાન પાસે રસ્તો ઓળંગી રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવી પહોંચેલી એક ઈકો કારના ચાલકે માસુમ બાળકીને જોરદાર અડફેટમાં લીધી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી નેહાને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મોટા ફોફળીયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. શિનોર પોલીસેઈકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીથરડી રોડ પર અજાણ્યા વાહને બાઈકને ઉડાવ્યું

બીજા બનાવમાં, વડોદરા તાલુકાના ગોસિંદ્રા ગામે રહેતો અને પોર GIDCમાં આવેલી જયતે કંપનીમાં નોકરી કરતો 24 વર્ષીય યુવક તુસ્કાલભાઈ મહેશભાઈ વસાવા મોડી રાત્રે પોતાની મોટરસાઈકલ લઈને કરજણના જૂની જીથરડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી ભાગી છૂટતા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત તુસ્કાલને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટના અંગે કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.