Banaskantha: પાલનપુર RTO દ્વારા નવી ટુ-વ્હીલર સિરીઝ GJ-08-EH જારી, પસંદગીના નંબરો માટે 24મીથી ઓનલાઈન હરાજી

પાલનપુર RTO દ્વારા ટુ-વ્હીલરની નવી GJ-08-EH સિરીઝ માટે પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી યોજાશે. અરજદારો 24 થી 28 નવેમ્બર, 2026 દરમિયાન વાહન 4.0 પોર્ટલ પર ડાયનેમિક બિડિંગ દ્વારા મનપસંદ નંબર મેળવી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 12:01 AM (IST)Updated: Fri, 20 Nov 2026 12:01 AM (IST)
banaskantha-palanpur-rto-launches-gj-08-eh-two-wheeler-series-auction-from-24th

Banaskantha: પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી રજીસ્ટ્રેશન સિરીઝ GJ-08-EHના પસંદગીના નંબરો મેળવવા ઇચ્છુક અરજદારો માટે ઓનલાઈન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા પસંદગીના નંબરોની ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે વાહન 4.0 પોર્ટલ મારફતે ઓનલાઈન ઓક્શનની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે.

આ ઓનલાઈન હરાજી પ્રક્રિયા ડાયનેમિક ઓક્શન પદ્ધતિથી યોજાશે. જેમાં અરજદારે હરાજી દરમિયાન પોતાની બોલીની રકમમાં સમયાંતરે વધારો કરવાનો રહેશે. બોલીની રકમમાં વધારો રૂ. 1,000ના ગુણાંકમાં જ કરી શકાશે. અગાઉની વન ટાઈમ બિડિંગ પદ્ધતિની જેમ માત્ર એક જ વખત બોલી લગાવી શકાશે નહીં.

ઓનલાઈન હરાજી માટે અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. 24 નવેમ્બર, 2026ના રોજ સાંજે 4 કલાકથી તા. 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 4 કલાક સુધી રહેશે. જે બાદ ઓનલાઈન ઈ-ઓક્શન બિડિંગ પ્રક્રિયા તા. 26 નવેમ્બર, 2026ના રોજ સાંજે 4 કલાકથી તા. 28 નવેમ્બર, 2026ના રોજ બપોરે 4 કલાક સુધી યોજાશે. હરાજીનું પરિણામ તા. 28 નવેમ્બર, 2026ના રોજ સાંજે 4 કલાકે જાહેર કરવામાં આવશે.

હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારોએ સૌપ્રથમ [https://parivahan.gov.in/parivahan/](https://parivahan.gov.in/parivahan/) વેબસાઈટ પર નોંધણી કરાવી યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. જે બાદ વેબસાઈટ પર લોગિન કરીને વાહન ખરીદીના દિવસથી સાત દિવસની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે પસંદગીના નંબર માટેની હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ નિયમોનુસાર ચુકવણી કરવાની રહેશે.

હરાજીમાં સફળ થયેલા અરજદારોને બાકીની રકમ પાંચ દિવસની અંદર જમા કરાવવા અંગે એસએમએસ અથવા ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવશે. નિયત સમયમર્યાદામાં બાકીની રકમ જમા નહીં કરાવનાર અરજદારની બેઝ પ્રાઈસની મૂળ રકમ જપ્ત કરવામાં આવશે અને સંબંધિત નંબરની ફરીથી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આરબીઆઈ દ્વારા નિર્ધારિત દર મુજબ લાગુ પડતા ચાર્જ પણ ચૂકવવાના રહેશે. સિલ્વર તથા ગોલ્ડન નંબરો માટે સરકાર દ્વારા નિર્ધારિત બેઝ પ્રાઈસ ચૂકવવાની રહેશે.

હરાજીમાં સફળ ન થયેલા અરજદારોને તેમની જમા કરાવેલી રકમ પરત કરવાની કાર્યવાહી હાલની પદ્ધતિ મુજબ કરવામાં આવશે. નેટ બેન્કિંગ અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડ મારફતે ચુકવણી કરનાર અરજદારોને એસબીઆઈ ઈ-પે દ્વારા તે જ ચુકવણીના માધ્યમથી રકમ પરત કરવામાં આવશે.