Banaskantha: ભાજપ ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત પક્ષના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પદયાત્રામાં ‘અરાજકતા નહીં ચાલે…’, ‘ઘુસણખોરો નહીં ચાલે…’, ‘વિકાસ વિરોધી નહીં ચાલે…’, ‘દેશવિરોધી નહીં ચાલે…’ તથા ‘મોદી કહી નહીં જાયેગા, મોદી વિકસિત ભારત બનાયેગા’ જેવા નારાઓ સાથે સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસની અરાજકતા, ઘુષણખોરોને છાવરવાની , વિકાસ વિરોધી તથા દેશવિરોધી નીતિ સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ભારત દેશના નાગરિકોને જ મતદાન કરવાનો અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાનો બંધારણીય અધિકાર છે. સરહદ પારથી ઘુસણખોરી કરીને આવેલા લોકોને મતદાનનો અધિકાર ન હોઈ શકે. આવા ગેરકાયદેસર મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાની બંધારણીય પ્રક્રિયાને રાજકીય રંગ આપીને કોંગ્રેસ દેશની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપના કાર્યકર્તાઓ જનતાને ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરશે
કોંગ્રેસ જ્યારે SIRના નામે ખોટા આક્ષેપો કરીને રસ્તા પર ઉતરી સામાન્ય જનજીવન ખોરવે છે અને અરાજકતાનું વાતાવરણ ઊભું કરે છે, ત્યારે ભાજપાના દરેક કાર્યકર્તાની જવાબદારી છે કે તેઓ ઘરે ઘરે જઈને જનતાને સાચી હકીકતથી વાકેફ કરે અને કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરે.
આજે દેશભરમાં PM મોદી પ્રત્યે જનતાનો અતૂટ વિશ્વાસ અને સમર્થન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતીને સત્તામાં આવવાના બદલે વિદેશી ભંડોળ, વિદેશી માધ્યમો અને વિદેશી પ્રેરણાથી દેશને તોડવાના પ્રયાસો કરી રહી છે. ચૂંટણીમાં જનતા મત ન આપે ત્યારે વોટ ચોરીના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવે છે. હકીકતમાં ભાજપાએ મતની ચોરી નહીં, પરંતુ PM મોદીના નેતૃત્વ હેઠળ વિકાસકાર્યો અને લોકકલ્યાણકારી કામગીરીના આધારે લોકોનાં દિલ જીત્યાં છે.
કોંગ્રેસની રાજકીય નિષ્ફળતા અંગે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ 2014થી કેન્દ્રમાં સત્તાથી દૂર છે. તમિલનાડુમાં 59 વર્ષથી, પશ્ચિમ બંગાળમાં 48 વર્ષથી, ઉત્તર પ્રદેશમાં 36 વર્ષથી, બિહારમાં 33 વર્ષથી અને ગુજરાતમાં 31 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. જનતાનો વિશ્વાસ ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસ પોતાની રાજકીય નિષ્ફળતાનું આત્મમંથન કરવાને બદલે અરાજકતાનો માર્ગ અપનાવી રહી છે. આ પદયાત્રા માત્ર કોંગ્રેસની અરાજકતાનો વિરોધ નથી, પરંતુ દેશનું લોકતંત્ર બચાવવા અને દેશવિરોધી માનસિકતા ધરાવતા તત્વોને સજ્જડ જવાબ આપવાનો જનઆંદોલનનો સંકલ્પ છે.
આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, દેશની મતદાર યાદીને શુદ્ધ અને પારદર્શક બનાવવાની કામગીરી ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે. એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત મૃત્યુ પામેલા મતદારો, એકથી વધુ સ્થળે નોંધાયેલા નામો, સ્થળાંતર કરી ગયેલા મતદારો તથા ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને મતદાર યાદીમાં સ્થાન મેળવનારા લોકોની નોંધણીની ચકાસણી કરવામાં આવે છે.
આ એક નિયમિત અને બંધારણીય પ્રક્રિયા છે, જે અગાઉ પણ નવ વખત હાથ ધરવામાં આવી છે. તેમ છતાં કોંગ્રેસ આ પ્રક્રિયાને લઈને ખોટા આક્ષેપો કરી રહી છે અને 13.50 કરોડ લોકોના મત ઇરાદાપૂર્વક કાપી નાખવામાં આવ્યા હોવા જેવા પાયાવિહોણા દાવાઓ કરીને જનતામાં ભ્રમ ફેલાવી રહી છે.
હવે કોંગ્રેસને સમજાઈ ગયું, જનતાનો વિશ્વાસ જીતવો મુશ્કેલ છેઃ ઋષિકેશ પટેલ
ચૂંટણી પંચ એક સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા છે. મતદાર યાદીના પુનરીક્ષણની કામગીરી બંધારણ અને કાયદાની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે. SIRની બંધારણીય પ્રક્રિયા અંગે ન્યાયિક સ્તરે પણ સ્પષ્ટતા થઈ હોવા છતાં કોંગ્રેસ રાજકીય સ્વાર્થ ખાતર આ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાનું ચાલુ રાખી રહી છે. વારંવારની ચૂંટણીઓમાં જનતાએ ભાજપા અને PM મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસને સમજાઈ ગયું છે કે, જનતાનો વિશ્વાસ જીતવો મુશ્કેલ છે, તેથી હવે લોકશાહી બચાવવાના નામે લોકશાહીથી ચૂંટાયેલી સરકારનો વિરોધ કરીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસ અને તેના સહયોગી રાજકીય પક્ષો તહેવારોના સમયે ધરણાં-પ્રદર્શનો કરીને વેપાર-ધંધા અને સામાન્ય જનજીવનને ખોરવવાનું કામ કરે છે. એક તરફ બંધારણની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ બંધારણીય સંસ્થાઓની સ્વાયત્ત કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવે છે. કોંગ્રેસનો એકમાત્ર રાજકીય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તા પરથી દૂર કરવાનો છે. જનતાનાં દિલ જીતીને સત્તા મેળવવાને બદલે અરાજકતા ફેલાવીને દેશની લોકશાહી વ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ ક્યારેય સફળ થવાનો નથી.
PM મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ગરીબ કલ્યાણનાં કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના પરિણામે દેશના આશરે 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગરીબ પરિવારોને પાકાં આવાસ, ગેસ કનેક્શન, શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને તેમના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું છે.
ભાજપએ માત્ર ગરીબી હટાવવાના નારા આપ્યા નથી, પરંતુ ગરીબી દૂર કરવા માટે નક્કર કામગીરી કરીને કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આજે ભારત દેશ વિકાસ, સુશાસન અને જનકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યો છે.
