Jamnagar: 700ની વસ્તી ધરાવતા ગામમાં 3 માસમાં 431 લગ્ન નોંધણી, RTIમાં નાગપુર ગામના તલાટીનો ભાંડો ફૂટતા ચાર્જ છીનવાયો

જામનગરના નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 700ની વસ્તી સામે 431 લગ્નની નોંધણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. RTI તપાસમાં તલાટી કમ મંત્રી દ્વારા ગેરરીતિ બહાર આવતા તેમનો ચાર્જ પરત લેવાયો છે અને વહીવટી તપાસ શરૂ થઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Nov 2026 04:51 PM (IST)Updated: Wed, 18 Nov 2026 04:51 PM (IST)
jamnagar-news-431-marriages-registered-in-3-months-in-a-village-of-700-kalavad-talati-stripped-of-charge-after-rti-expose

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી લગ્ન નોંધણીને લગતો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. માત્ર આશરે 700ની વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં એક-બે નહીં, પરંતુ 431 લગ્નની નોંધણી થઈ હોવાનું RTI હેઠળ પ્રાપ્ત વિગતોમાં બહાર આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.


નાગપુર ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા દ્વારા લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું RTIના જવાબમાં સામે આવ્યું છે. ગત 30 નવેમ્બર 2025 થી 25 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કુલ 431 લગ્ન નોંધાયા હોવાની વિગતો સામે આવ્યું છે.

18 વર્ષ પૂરા થયાના ચોથા દિવસે પુત્રીના લગ્નની નોંધણી થતાં પિતાની તપાસમાં ઘટસ્ફોટ

રાજકોટ જિલ્લા પડધરી પંથકના એક નાગરિકની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઉભી થયેલી શંકાને પરિણામે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. તેમની પુત્રીના 18 વર્ષ અને બે મહિના પુરા થયાના ચોથા દિવસે જ લગ્ન થઈ ગયાની જાણ થતાં દીકરીએ પિતાનું ઘર છોડી દીધુ હતુ. જેથી પિતાએ લગ્નની નોંધણી અંગેની વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી, આ દરમિયાન નાગપુર ગામનું નામ સામે આવ્યું હતુ.

પિતાએ લગ્નની નોંધણી અંગે વધુ વિગતો મેળવવા જતાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવવા લાગી હતી. રાજકોટ, જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પરિવારોના લગ્ન નાગપુર ગામે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

સૌથી નવાઈની વાત એ છે કે, જે નાગપુરમાં માંડ 170 જેટલા મકાનો અને 700 લોકોની વસ્તી છે, તેવા ગામમાં 3 મહિનામાં જ 431 લગ્નની નોંધણી થઈ ગઈ છે. શું આ લગ્નની નોંધણી પાછળ કોઈ વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે કે કેમ? તેને લઈને સવાલો ઉઠ્યા છે.

આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ મામલતદાર સહિત સબંધિત વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા હાલ પુરતા તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હવે આ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લગ્ન નોંધણીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, નોંધણી માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો કેટલા સાચા છે, ખરેખર લગ્ન થયાં હતાં કે માત્ર કાગળ પર જ નોંધણી કરવામાં આવી હતી, તેમજ આટલી મોટી સંખ્યામાં નોંધણી પાછળ કોઈ સંગઠિત ટોળકી કાર્યરત હતી કે કેમ તે સહિતના અનેક સવાલોના જવાબ મળી શકે તેમ છે.

આ પ્રકરણમાં પરિવારજનો દ્વારા લગ્ન નોંધણીના કાગળો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવતાં તેમાં પણ કેટલીક ક્ષતિઓ જણાતી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, લગ્ન સમયે હાર-તોરા સહિતની વિધિના ફોટોગ્રાફ પણ નોંધણી માટે રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે આ ફોટોગ્રાફની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊઠ્યા છે. કેટલાક ફોટોગ્રાફમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તસવીરો તૈયાર કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.