જામનગર: જોડિયા તાલુકામાં ખાણ-ખનીજ વિભાગની રેડ, ઉંડ નદીના પટમાં ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું

ખાણ-ખનીજ વિભાગની રેડની દરમિયાન આણંદા અને ભાદરા પાસે ઉંડ નદીના પટમાં હિટાચી મશીન અને રેતી ભરેલો ટ્રક મળી આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Nov 2026 07:30 PM (IST)Updated: Tue, 17 Nov 2026 07:30 PM (IST)
jamnagar-illegal-sand-mining-jodiya-und-river-ananda-bhadra-hitachi-machine-truck-seized

Jamnagar Illegal Sand Mining: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ઉંડ નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન અને વહનનો પર્દાફાશ થયો છે. આણંદા અને ભાદરા ગામ નજીક સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થતું હોવાની ફરિયાદ મળ્યા બાદ ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 1 હિટાચી મશીન અને રેતી ભરેલો 1 ટ્રક જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો છે.

ઉંડ નદીના પટમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણંદા અને ભાદરા ગામ નજીક ઉંડ નદીના પટમાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરી હતી.

ખાણ-ખનીજ વિભાગની રેડમાં મશીનરી જપ્ત

આ તપાસ દરમિયાન ઉંડ નદીના પટમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરીને તેનું વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી રેતીના ખનન માટે ઉપયોગમાં લેવાતું 1 હિટાચી મશીન અને રેતી લઈ જતો 1 ટ્રક જપ્ત કર્યો હતો. બંને વાહનો અને મશીનરીને સીલ કરીને વિભાગે આગળની દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર તપાસ અને કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના નિખિલ, આનંદ, નૈતિક, યશ અને રમેશ જોડાયા હતા. ગેરકાયદે ખનન અને વહન મામલે વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.