Jamnagar News: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ ‘એક્સરસાઇઝ સહાયતા સેતુ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘એક્સરસાઇઝ સહાયતા સેતુ’ 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી છે. આ આયોજનમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના, કોસ્ટ ગાર્ડ અને NDMA સહિતની એજન્સીઓ જોડાશે. આયોજનનો મુખ્ય હેતુ આપાત સ્થિતિમાં સહાય, રાહત અને બચાવકાર્યની કામગીરીનો સુચારું પ્રતિસાદને ચકાસવામાં આવશે.
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક સજ્જતાને મજબૂત કરવાનો
જામનગરમાં યોજાનારા આ ત્રણ દિવસીય ‘એક્સરસાઇઝ સહાયતા સેતુ’નો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક સજ્જતાને મજબૂત કરવાનો, આંતર-ઓપરેશનલ ક્ષમતા વધારવાનો અને તકનીકી નવીનતાઓ દ્વારા આપત્તિ સામે સંકલિત પ્રતિસાદ આપવાનો છે. ભૌગોલિક સીમાઓને જોઇને આપત્તિઓ આવતી નથી હોતી. તેવામાં અસરગ્રસ્તોને સમયસર સહાય મળી રહે, યોગ્ય તથા અસરકારક સંકલન થાય અને રાષ્ટ્રો વચ્ચે પરસપર સહકાર જીવ બચાવવા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.
ભારતીય રક્ષા દળોના સેનાધ્યક્ષો ઉપસ્થિત રહેશે
17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયનારા આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS), ભારતીય રક્ષા દળોના સેનાધ્યક્ષો અને અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, કવાયત દરમિયાન QUAD દેશો (ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસએ) ના પ્રતિનિધિઓની ક્વાડ HADR વર્કિંગ લેવલ મીટિંગ પણ યોજાશે.
હવાઈ રીકોનિસન્સ અને લાઈવ રિલે પ્રદર્શિત કરાશે
‘એક્સરસાઇઝ સહાયતા સેતુ’ના અંતિમ દિવસે એટલે કે 19 નવેમ્બરે ટાર્મેક (ડિસ્પર્સલ એરિયા) ખાતે વિવિધ સુરક્ષા અને નાગરિક એજન્સીઓ દ્વારા આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીનું પ્રાયોગિક પ્રદર્શન યોજાશે.તેમાં સ્ટેટિક ડિસ્પ્લે, FICCI પ્રદર્શન અને મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD - AJHE 2026) સામેલ રહેશે. આ પ્રત્યક્ષ નિદર્શનમાં ગંભીર આપત્તિ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવો, સ્થાનિક તંત્રને મજબૂત કરવું, બચાવ-મેડિકલ-એન્જિનિયરિંગ-રાહત કામગીરીનું જોડાણ કરવું અને કામગીરી પૂર્ણ થયે જવાબદારી સોંપવાની પ્રક્રિયા રજૂ થશે.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનથી થશે. વાયુસેનાના AN-32 વિમાનમાંથી પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટર્સ (PJIs) સીએફએફ (CFF) જમ્પ લગાવી વિઝ્યુઅલ કોનમાં પ્રવેશશે અને વીઆઈપી સમક્ષ ઉતરાણ કરશે. ત્યારબાદ વીઆઈપીને કવાયત વિસ્તાર, MACD ની સ્થિતિ અને સાવચેતીના પગલાંથી વાકેફ કરાશે. વાયુસેનાનું જગુઆર વિમાન વાવાઝોડાના ક્ષેત્રમાંથી ઉડાન ભરશે. સ્ક્રીન પર વાવાઝોડું ત્રાટકવાની, પૂરની અને રહેણાંક વિસ્તારના માનવસર્જિત બાંધકામો ધરાશાયી થવાની સ્થિતિનો વીડિયો દર્શાવાશે, જેના પગલે રાજ્ય વહીવટીતંત્ર હરકતમાં આવશે.
Mi-17 હેલિકોપ્ટર દ્વારા એરિયલ ફાયર ફાઇટીંગ ઓપરેશન હાથ ધરાશે
Mi-17 હેલિકોપ્ટર દ્વારા એરિયલ ફાયર ફાઇટીંગ તથા સૈનિકો અને ગરુડ કમાન્ડોનું ઓપરેશન હાથ ધરાશે. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા બ્રિજ સેક્શનનું સ્થાપન કરવામાં આવશે. સેનાની રેસ્ક્યુ ટીમ, રોબોટ અને શ્વાનો દ્વારા કાટમાળ હટાવવા તથા ફસાયેલા લોકોની શોધખોળ કરાશે. IAF ચેતક અને મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ તથા છત પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાશે. IAF C-295 અને C-17 જેવા વિશાળ એરક્રાફ્ટ દ્વારા અસોલ્ટ લેન્ડિંગ કરી ભારે સાધનો ઉતારવામાં આવશે તેમજ ગંભીર દર્દીઓને એરલિફ્ટ કરાશે. ફિલ્ડ હોસ્પિટલ સુધી લોજિસ્ટિક ડ્રોન દ્વારા રક્ત પહોંચાડવાની કામગીરી પણ કરાશે.
