Rajkot: છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ પ્રસૂતાઓના પરિવારજનો અને સગાં-સંબંધીઓ માટે પૂરતી સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થતી મહિલાઓની સાથે આવતા પરિવારજનો માટે ઉઠવા-બેસવા કે રાત્રિ રોકાણની કોઈ વ્યવસ્થિત સુવિધા ન હોવાથી લોકોને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં રાત વિતાવવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધતી હોવા છતાં સગાં-સંબંધીઓ ખુલ્લા આકાશ નીચે સુઈ રહેવા મજબૂર બન્યા છે.
એક તરફ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓની સારવાર ચાલી રહી હોય છે, ત્યારે બીજી તરફ તેમની દેખરેખ અને જરૂરી કામકાજ માટે આવેલા પરિવારજનોની હાલત કફોડી બની રહી છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોઈ યોગ્ય છાંયડો કે છાપરાની વ્યવસ્થા ન હોવાથી લોકો માટે 'ઉપર આભ અને નીચે ધરતી' જેવી સ્થિતિ સર્જાઈ છે.
દર્દીઓના સગાં માટે કમ્પાઉન્ડમાં શેડ બનાવવાની માંગ ઉઠી
હોસ્પિટલમાં દાખલ મહિલાઓના પરિવારજનોને રાત્રિના સમયે આરામ કરવા માટે યોગ્ય જગ્યા મળતી નથી. ઠંડીના માહોલમાં ખુલ્લામાં સૂવું પડતું હોવાથી વૃદ્ધો અને મહિલાઓ સહિતના સગાં-સંબંધીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનાના હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પ્રસૂતાઓના પરિવારજનો માટે કમ્પાઉન્ડમાં છાપરાં અથવા શેડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી દર્દીઓની સાથે આવતા સગાં-સંબંધીઓને બેસવા અને રાત્રિના સમયે આશરો મળી શકે. હવે હોસ્પિટલ તંત્ર આ સમસ્યાને ધ્યાનમાં લઈને ક્યારે સુવિધા ઊભી કરે છે તે જોવું રહ્યું.
