જસદણ પંથકમાં સગીરા પર ગેંગરેપઃ પાંચ હવસખોરોએ ફિલ્મી ઢબે કારમાં ખેંચી અવાવરું જગ્યાએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું

રાજકોટના જસદણ ગ્રામ્યમાં 17 વર્ષીય સગીરાનું કારમાં અપહરણ કરી 5 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 05:28 PM (IST)Updated: Fri, 20 Nov 2026 05:28 PM (IST)
rajkot-crime-news-5-accused-kidnap-minor-in-car-and-gang-rape-her-in-jasdan

Rajkot Crime News: રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્યમાં સામુહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે. જેમાં જસદણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાનું 5 શખ્સોએ ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસની LCB, SOG અને જસદણ પોલીસ આરોપીઓને પકડવા કામે લાગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જસદણ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા આજે કોઈ કામ સબબ જઈ રહી હતી, ત્યારે એક કારમાં 5 જેટલા ઈસમોએ તેને આંતરી હતી. સગીરા કંઈ સમજે તે પહેલા જ ઈસમોએ તેને બળજબરીથી કારમાં ખેંચીને ફિલ્મી ઢબે અપહરણ કરી કાર હંકારી મૂકી હતી. જે બાદ કારને અવાવરું જગ્યાએ ઉભી રાખી, પાંચેય ઈસમોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. પોતાની હવસ સંતોષ્યા બાદ સગીરાને તેના ગામની સીમમાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયા હતા.

આઘાતમાં સરી પડેલી સગીરાની આપવીતી સાંભળી પરિવારજનો સ્તબ્ધ

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા જેમ-તેમ કરીને પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારજનોને પોતાની આવવીતી જણાવી હતી. દીકરી સાથે બનેલી આ ઘટનાથી પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આખરે પરિવારજનોએ હિંમત દાખવીને જસદણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસ પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે, આરોપીઓ પૈકી એક શખ્સ તેનો પરિચિત હતો. હાલ તો પોલીસે 5 ઈસમો વિરુદ્ધ અપહરણ, સામુહિક દુષ્કર્મ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે ભોગ બનનાર સગીરાની તબીબી તપાસ કરાવવાની તજવીજ પણ શરૂ કરી છે.

આરોપીઓને પકડવા પોલીસની દોડધામ, અલગ-અલગ ટીમો કામે લાગી

સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર બનાવની જાણ થતાં જ રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના કડક આદેશ આપવામાં આવ્યા છે.

આરોપીઓને કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક પકડી લેવા માટે રાજકોટ ગ્રામ્ય એલસીબી , એસઓજી અને સ્થાનિક જસદણ પોલીસની અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. હાલ પોલીસની આ ત્રણેય ટીમો દ્વારા સગીરાના ગામ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને પરિચિત આરોપીના મોબાઈલ લોકેશન તથા તેના સંપર્કોના આધારે અન્ય ચાર શખ્સોની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શક્ય તમામ દિશામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ પોલીસ સકંજામાં હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.