અમદાવાદમાં દારૂબંધીના ધજાગરાઃ સરદારનગરમાં વાસ્તુ પૂજન બાદ જામ છલકાયા, મકાન માલિક અને મહેમાનો સામે ગુનો નોંધાયો

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બંગલાના વાસ્તુ પૂજન બાદ દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે બંગલાના માલિક અને મુંબઈથી આવેલા મહેમાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Nov 2026 06:30 PM (IST)Updated: Fri, 20 Nov 2026 06:30 PM (IST)
ahmedabad-crime-news-liquor-party-after-vastu-puja-in-sardarnagar-fir-filed

Ahmedabad: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર જ થતો હોય તેવા દારૂની મહેફિલના બનાવો અવારનવાર સામે આવતા જ રહે છે. બે અઠવાડિયા પૂર્વે રાજકોટની સરાઝા હોટલમાં બર્થ ડે પાર્ટીની આડમાં જામેલી દારૂની મહેફિલ પર LCBએ દરોડો પાડ્યો હતો. એવામાં આવો જ વધુ એક બનાવ અમદાવાદ શહેરના સરદારનગરમાંથી સામે આવ્યો છે. જેમાં દિવસે ઘરના વાસ્તુ પૂજન બાદ સાંજના સમયે દારૂની છોળો ઉડી હતી. જેનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે.

વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા

હકીકતમાં ગત 15 નવેમ્બરે સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં આવેલા બંગલા નંબર 87માં વાસ્તુ પૂજનનો પ્રસંગ હતો. દિવસના સમયે વાસ્તુ પૂજામાં સરદારનગરના સ્થાનિક ભાજપ ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. જે બાદ સાંજના સમયે બંગલોઝમાં દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયોમાં મોટી પવાલીમાં બરફ નાંખીને લીંબુ નીચોવવામાં આવે છે, જે બાદ દારૂની બોટલો ઠાલવવામાં આવી રહી છે. આ સાથે જ યુવક અને યુવતીઓ ચિયર્સ કરીને પીતા જોવા મળી રહ્યા છે.

મુંબઈથી આવેલા મહેમાનોએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકતા પોલીસ દોડતી થઈ

સોશિયલ મીડિયામાં દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંગલાના માલિકની ઓળખ ધીરજ પરમાર તરીકે થઈ છે, જેઓ જામનગરમાં આર્મીમાં ફરજ બજાવે છે. જ્યારે તેમના બંગલામાં વાસ્તુ પૂજન માટે મુંબઈથી મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે મુંબઈ પહોંચીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પાર્ટીના વીડિયો મૂક્યા હતા.

જો કે સરદારનગર પોલીસને ઘરની તલાસીમાં દારૂની એકપણ બોટલ નથી મળી આવી. હાલ તો પોલીસે મકાન માલિક ધીરજ પરમાર ઉપરાંત મુંબઈથી આવેલા તેમના મહેમાનો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.