Vadodara: વડોદરા શહેરમાં જન્માષ્ટમીની રાત્રે મધરાતે 12 વાગ્યે ભક્તિભાવથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કર્યા બાદ બીજા દિવસે શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમોનો જશન જોવા મળ્યો હતો. 'નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલકી…'ના નાદ સાથે સોસાયટીઓ, પોળો અને મંદિરોમાં યુવાનો ઉમટી પડ્યા હતા.
ગોત્રી-સુભાનપુરા વિસ્તારમાં મહારાષ્ટ્રથી આવેલા 300 યુવાનોની ટોળીએ અનોખી પ્રસ્તુતિ આપી હતી. અહીં 35 ફૂટ ઊંચાઈએ ટાંગાયેલી મટકી એક 10 વર્ષના ટેણિયાએ ફોડી હતી. આ દ્રશ્યને કેદ કરતા ડ્રોન વીડિયોમાં અદ્દભૂત દૃશ્યો સર્જાયા હતા, જેને જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો
શહેરના ન્યૂ અલકાપુરીના રળિયાતબાનગર વિસ્તારમાં સૌપ્રથમ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ગોવિંદાઓએ પહેલા પિરામિડ બનાવી સલામી આપી ત્યારબાદ મટકી ફોડી કૃષ્ણ જન્મના વધામણાં કર્યા હતા. જે બાદ શહેરના ઘનશ્યામ પાર્ક, ઉદય પાર્ક, સહયોગ સોસાયટી રોડ, નંદાલય હવેલી, ગોત્રી-રાજેશ ટાવર રોડ, સ્વામી વિવેકાનંદ હાઈસ, આઈ.ટી.આઈ. ગોરવા, કિશન કોમ્પલેક્ષ ગોત્રી રોડ અને ઈલોરા પાર્ક ખાતેના સાંઈબાબા મંદિર સહિત 8 સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો નગરસેવક શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.
આ અંગે આયરેએ જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી મહારાષ્ટ્રથી તાલીમબદ્ધ ટોળીઓને ખાસ બોલાવવામાં આવે છે અને તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટોળકી 30 થી 35 ફૂટ ઊંચો પિરામિડ બનાવી મટકી ફોડે છે. ઢોલ-નગારા, ભજનો અને “નંદ ઘેર આનંદ ભયો”ના નાદ વચ્ચે ગોવિંદાઓએ કૃષ્ણ જન્મના વધામણાં કર્યાં હતાં.
શહેરમાં સોસાયટીઓ અને પોળોમાં કુલ 1000 જેટલા સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. ઈસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામિનારાયણ મંદિરો તથા શહેરની ગલીઓમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી બાદ મટકી ફોડનો મહોત્સવ ઉજવાયો હતો. ડ્રોન દ્વારા કેદ કરાયેલા મટકી ફોડના દૃશ્યો વડોદરાની જનતા માટે અનોખો અનુભવ બની રહ્યા હતા.