Vadodara: વડોદરા શહેરમાં મનપાના ડોર ટૂ ડોર કચરા કલેક્શન કરતા વાહનો બેફામ રીતે હંકારવામાં આવતા હોવાની ફરિયાદો વચ્ચે આજે સવારે અકોટા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અકોટા તાજ હોટલ પાસે આવેલી પંચપીર દરગાહ નજીક પૂરપાટ ઝડપે અને ખોટી દિશામાં ધસી આવેલા કચરાના ટેમ્પોએ રસ્તો ઓળંગી રહેલા રાહદારીને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ટેમ્પોનું ટાયર રાહદારીના પગ પર ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચી છે.
વેફરનું પેકેટ ખરીદીને રોડ ક્રોસ કરી રહેલા હસનભાઈના પગ પરથી ટેમ્પો પસાર થઈ ગયો
પંચપીર દરગાહ પાસે રહેતા હસનભાઈ સિંધી આજે સવારે આશરે 7:45 વાગ્યે ઘરની સામેથી વેફરનું પેકેટ ખરીદીને પરત ફરી રહ્યા હતા. આ સમયે નજીકમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી હોવાથી કચરા કલેક્શનના ટેમ્પોના ચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી વાહન રોંગ સાઈડમાં ચલાવ્યું હતું. પોતાની યોગ્ય દિશામાં વાહનો જોઈને રોડ ક્રોસ કરી રહેલા હસનભાઈ અચાનક સામેથી આવેલા ટેમ્પોની ઝપેટમાં આવી ગયા હતા.
અકસ્માત થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીથી લથબથ હાલતમાં ઈજાગ્રસ્ત હસનભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન તેમના પગમાં ફ્રેક્ચર થયાનું સામે આવ્યું હતું તેમજ ઈજાગ્રસ્ત ભાગ પર 10 થી 15 ટાંકા લેવાની જરૂર પડી હતી. ઘટના બાદ ચાલક અને કંડક્ટર ઈજાગ્રસ્તને મદદ કરવાને બદલે વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
આ બનાવમાં સૌથી ગંભીર બેદરકારી એ સામે આવી છે કે અકસ્માત કરનાર કોન્ટ્રાક્ટરના ટેમ્પોના પાછળના ભાગમાં નંબર પ્લેટ જ નહોતી. સ્થાનિક રહેવાસીઓ અને પરિવારજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, નંબર પ્લેટ ન હોવાથી અકસ્માત કરીને ભાગતા વાહનોને ઓળખવામાં મુશ્કેલી પડે છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ રોંગ સાઈડમાં બેફામ વાહન ચલાવતા ચાલકો અને નંબર પ્લેટ વિનાના વાહનો દોડાવતા કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
