Paresh Goswami Monsoon Forecast: દેશમાં 'અલ નીનો'ની અસરના કારણે 2026નું ચોમાસું એકંદરે નબળું રહ્યું છે. ગુજરાતના પણ કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો હતો, તો કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
અલ નીનોની અસરથી આ વર્ષે શિયાળો પણ મોડો શરું થયો છે અને હજુ ઠંડી પણ જોઈએ તેવી જામી નથી, ત્યારે સૌ કોઈના મનમાં આવનારા 2027ના ચોમાસાને પણ 'અલ નીનો' નડશે કે કેમ તેને લઈને સવાલ થઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટા રાહતના સમાચાર આપ્યા છે.
ડિસેમ્બર સુધી 'સુપર મેગા અલ નીનો'નો પ્રભાવ વરતાશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન રેકોર્ડ બ્રેક ઊંચુ ગયું છે. જેને 'સુપર મેગા અલ નીનો' ગણવામાં આવે છે. ઓક્ટોબર અને નવેમ્બર આમ બે મહિનામાં અલ નીનો અતિ સ્ટ્રોંગ સ્થિતિમાં રહ્યો છે. જ્યારે આવનારા ડિસેમ્બરમાં પણ 'અલ નીનો'ની અતિ મજબૂત અસર વર્તાય તેવી સંભાવના છે.
જો કે જાન્યુઆરીથી તાપમાન ધીમે-ધીમે ઘટવાનું શરૂ થઈ જશે. જે બાદ માર્ચના અંત અથવા એપ્રિલ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. એટલે કે જૂન-જુલાઈમાં ચોમાસું શરૂ થાય, ત્યાં સુધીમાં અલ નીનો સંપૂર્ણ ખતમ થઈ જશે અને લા નીના સક્રિય થઈ જશે.
લા નીનાથી પવનો સાનુકુળ બનતા ચોમાસું સારું રહે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 'અલ નીનો'ની સીધી અસર પ્રશાંત મહાસાગરના દરિયાઈ તાપમાન સાથે જોડાયેલી છે. જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગનું તાપમાન સામાન્ય કરતાં ઊંચુ જાય, ત્યારે અલ નીનો સક્રિય થાય છે.
જેના કારણે દક્ષિણ એશિયાના તમામ દેશો જેમ કે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, વિયેતનામ તેમજ આફ્રિકાના કેન્યા, સોમાલિયા, તાન્ઝાનિયા, મોઝામ્બિક સહિતના ભાગોમાં ચોમાસા પર વિપરિત અસર પડે છે. જેનાથી વિપરિત જ્યારે મધ્ય અને પશ્ચિમ ભાગનું તાપમાન નીચુ આવે, ત્યારે 'લા નીના' સક્રિય થાય છે. જેનાથી પવનો સાનુકુળ બનતા ભારતમાં ચોમાસું એકંદરે સારું રહે છે.
