Vadodara Ragging Case: વડોદરા શહેરની પ્રતિષ્ઠિત GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પ્રકાશમાં આવતા તબીબી આલમ અને વિદ્યાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોલેજની હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર મામલો નેશનલ મેડિકલ કમિશન સુધી પહોંચતા કોલેજ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
ફટાકડા મુદ્દે વિદ્યાર્થીઓમાં વિવાદ
ઘટનાની વિગતો મુજબ, બે દિવસ અગાઉ GMERS મેડિકલ કોલેજના હોસ્ટેલ સંકુલમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન જુનિયર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડવાની ના પાડતા મામલો બિચક્યો હતો. આ બાબતની અદાવત રાખીને બીજા વર્ષમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર તબીબી વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપી રેગિંગ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જૂનિયરો છાત્રોએ લગાવ્યો રેગિંગનો આક્ષેપ
આ ઘટનાથી વ્યથિત થયેલા ભોગ બનનાર જુનિયર વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને સમગ્ર પ્રકરણ અંગે સીધી નેશનલ મેડિકલ કમિશન સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીઓએ જવાબદાર સિનિયર વિદ્યાર્થીઓ સામે દાખલારૂપ અને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી છે. ઉચ્ચ કક્ષાએથી ફરિયાદ મળતા જ સ્થાનિક કોલેજ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રારંભિક તબક્કે મામલો વધુ ન વણસે અને તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે તે હેતુથી તંત્ર દ્વારા રેગિંગના આક્ષેપ હેઠળ આવેલા તમામ સિનિયર વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરાવી ઘરે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એન્ટી-રેગિંગ કમિટીની બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય
બીજી તરફ, 27 નવેમ્બરના રોજ મેડિકલ કોલેજના વડા દ્વારા ભોગ બનનાર તથા અન્ય વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતોની નોંધ લેવામાં આવી હતી. હવે આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને જોતા આજે કોલેજ તંત્ર દ્વારા એન્ટી-રેગિંગ કમિટીની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આજની આ બેઠકમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને આક્ષેપિત સિનિયર વિદ્યાર્થીઓના નિવેદનો તેમજ ઉપલબ્ધ પુરાવાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે, જેના આધારે કસૂરવાર વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શન સહિતની કડક શિસ્તભંગની કાર્યવાહી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
