Vadodara: પાલિકા અને પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણીવાર વાણી પરનો સંયમ પણ ખોઈ રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં જ ભાજપમાં 'ઘર વાપસી' કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.
અશાંતધારાના બહાને વિધર્મીઓ પર નિશાન
છાણી ટીપી-13 વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધતા અલ્પેશ લીંબચિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, 'તમારા વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને અહીં ઘૂસવા દેવામાં આવશે નહીં. આ ભારતીય જનતા પાર્ટી છે.'
તેમણે સ્થાનિક વસ્તીના આંકડા ટાંકીને લોકોને ઉશ્કેરતા વધુમાં ઉમેર્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે આટલા મોટા ફ્લેટ્સમાં પણ માત્ર સાત-આઠ ઘર જ વિધર્મીઓના છે. આપણા લોકો આટલી ઓછી સંખ્યાથી ડરતા હોય છે, જ્યારે આપણા 500 ઘર હોય તો પણ આપણે ડરવું જોઈએ નહીં. તેઓ આપણી વચ્ચે છાતી કાઢીને આવે છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ."
જણાવી દઈએ કે, અલ્પેશ લીંબચિયા અગાઉ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 19માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જોકે, તેમનો ભૂતકાળ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ વાંધાજનક પત્રિકાઓ વહેંચવાના કેસમાં તેમનું નામ ખુલતા ભાજપે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જો કે આગામી ચૂંટણીના સમીકરણો જોતા પક્ષે તાજેતરમાં જ તેમનું સસ્પેન્શન રદ કરી તેમને ફરીથી ભાજપમાં સામેલ કર્યા છે.
વોર્ડ 5માં પ્રચાર માટે ગયેલા ભાજપ ઉમેદવાર લોકોના રોષનો ભોગ બન્યા
વડોદરા મનપાના વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોની ટીમ કિશનવાડી વિસ્તારમાં મત માંગવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક જાગૃત સ્થાનિક યુવકે વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે પૂર્વ કોર્પોરેટરને ધારદાર સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું.
જો કે જવાબ આપવાની જગ્યાએ ભાજપ એસ.સી. સેલના પ્રમુખ યોગેશ પરમાર એકાએક અકળાઈ ઉઠ્યા હતા અને રજૂઆત કરનાર યુવક સાથે ગાળાગાળી કરી તેના પર હુમલો કરી દીધો હતો. જેના પગલે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપના નેતાઓનો ઘેરાવો કર્યો હતો.
લોકોએ 'ગુંડાગીરી નહીં ચાલે' ના નારા લગાવ્યા હતા. સ્થાનિકોનો ઉગ્ર મિજાજ અને વધતો જતો રોષ જોઈને ભાજપના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર અધવચ્ચે જ પડતો મૂકીને ત્યાંથી ચાલતી પકડી.
