Vadodara: વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરતી કંપનીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની 'મેડિકામેન્ટ સોલ્યુશન્સ' (Medicament Solutions) નામની કંપની દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વજન ઘટાડવા માટેના જોખમી ઇન્જેક્શન વેચવામાં આવતા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. વિભાગના અધિકારીઓએ ગત 23 ડિસેમ્બર 2025ના રોજ કંપની પર દરોડો પાડી તેનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે.
નકલી ગ્રાહક બનીને પર્દાફાશ કર્યો
હકીકતમાં વિભાગને બાતમી મળી હતી કે, આ કંપની દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટે વપરાતા Mounjaro KwikPen ઇન્જેક્શનનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ ગોરખધંધાને પકડવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ એક જાળ બિછાવી હતી.
અધિકારીઓએ પોતે નકલી ગ્રાહક બનીને ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. જેવું પાર્સલ ગ્રાહક સુધી પહોંચ્યું, કે તરત જ પુરાવાઓ સાથે કંપની પર દરોડો પાડવામાં આવ્યો હતો.
નિયમોનું ગંભીર ઉલ્લંઘન
પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, કંપની પોતાની વેબસાઇટ મારફતે સીધી જ ગ્રાહકોને આ ઇન્જેક્શન કુરિયર દ્વારા મોકલતી હતી. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ મુજબ, આવી દવાઓ માત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપી શકાય છે. આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાથી અધિકારીઓએ તેને ગંભીર બેદરકારી ગણાવી છે અને કંપની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
નિષ્ણાતોની ચેતવણી: જીવનું જોખમ
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, Mounjaro જેવા ઇન્જેક્શનનો ડોક્ટરની દેખરેખ વગર ઉપયોગ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ દવાની આડઅસરથી કિડની ફેઈલ થવાનું જોખમ રહે છે. સ્વાદુપિંડમાં સોજો (Pancreatitis) આવી શકે છે. હૃદય અને પાચનતંત્ર પર પણ તેની વિપરીત અસર પડે છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા કે વેબસાઇટ પરની જાહેરાતોથી લોભાયા વગર, કોઈપણ દવા હંમેશા માન્ય ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઈએ. આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આગામી દિવસોમાં વધુ કડક તપાસના સંકેતો વિભાગે આપ્યા છે.
